Last Updated on by Sampurna Samachar
હિમવર્ષાના કારણે રોહતાંગ પાસમાં વાહનોની અવરજવર બંધ
લેહમાં હાઈવે પર અનેક વાહનો ફસાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે પર્યટકો માટે હવામાન ખુશનુમા બન્યુ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. હિમવર્ષાએ હિમાચલ પ્રદેશના પર્યટન સ્થળોની સુંદરતામાં વધારો કર્યો છે. સીઝનની શરૂઆતમાં જ મનાલી અને લાહુલ બરફની ચાદરથી ઢંકાઈ ગયા છે.

બીજી તરફ, હિમવર્ષાને કારણે લેહ જનારા પ્રવાસીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. રોહતાંગ, બરાલાચા, શિંકુલા અને કુન્ઝુમ મનાલી અને લાહુલ સ્પિટીના ગ્રામીણ વિસ્તારોમાં પણ હિમવર્ષા થઈ રહી છે. કુલ્લુ અને મનાલીમાં વરસાદ કારણે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે.
દર વર્ષે ૧૫ ઓક્ટોબર બાદ હિમવર્ષા થાય છે
હિમવર્ષાના કારણે લેહ-મનાલી હાઈવે પર અનેક વાહન ફસાઈ ગયા હતા. બારાલાચા અને શિંકુલામાં પણ ભારે ટ્રાફિક થયો હતો. હિમવર્ષાના કારણે લેહમાં પરિવહન સેવા ખોરવાઈ છે. મનાલીથી રોહતાંગ થઈ લેહ જતાં માર્ગોમાં બરફની ચાદર પથરાતાં વાહન-વ્યવહાર બંધ છે. ડિઝલ-પેટ્રોલના ટેન્કર મઢીમાં રોકવામાં આવ્યા હતાં. અન્ય ટ્રક અટલ ટનલ થઈ લેહ લઈ જવામાં આવ્યા છે. પરંતુ પેટ્રોલ-ડિઝલના ટેન્કર આ રસ્તાથી મોકલવા જોખમી હોવાથી તેનો સપ્લાય થંભ્યો છે.

વધતી હિમવર્ષાના કારણે રોહતાંગ પાસમાં વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. રોહતાંગ પાસમાં હિમવર્ષા થઈ રહી છે, જેમાં રાહિનાનાલા, મઢી, ગુલાબા, કોકસર, અટલના ઉત્તર અને દક્ષિણ પોર્ટલ અને અંજની મહાદેવમાં પણ ભારે હિમવર્ષાના કારણે અવરજવર બંધ કરવામાં આવી છે.
સીઝનની શરૂઆતમાં જ સારી એવી હિમવર્ષાના કારણે ટુરિઝમ બિઝનેસ વેગવાન બનવાનો આશાવાદ ઉદ્યોગજગતના નિષ્ણાતો દ્વારા વ્યક્ત થઈ રહ્યો છે. મનાલીની ટોચ પર હિમવર્ષા પ્રવાસીઓ માટે સુખદ સમાચાર છે. ઉદ્યોગ નિષ્ણાતોના મતે, બરફની ચાદરથી હિમાચલની સુંદરતામાં ચારચાંદ લાગ્યા છે. પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. દર વર્ષે ૧૫ ઓક્ટોબર બાદ હિમવર્ષા થતી હોય છે. પરંતુ વર્ષે ઓક્ટોબરની શરૂઆતમાં જ હિમવર્ષા થઈ છે.
મનાલીના ડીએસપી કેડી શર્માએ જણાવ્યું હતું કે, રોહતાંગ પાસ પર હિમવર્ષા ઝડપી બની છે. અત્યારસુધીમાં ચાર ઇંચ બરફ પડ્યો છે. રોહતાંગ પાસ વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. મઢી નજીક કેટલાક ટેન્કરોને રોકવામાં આવ્યા છે. હવામાનની સ્થિતિને કારણે તમામ ડ્રાઇવરોને સલામત સ્થળોએ રોકવા સલાહ છે. હિમવર્ષામાં મુસાફરી ટાળવા નિર્દેશ છે.