કોર્ટે અલ્લુ અર્જુનને જામીન શરતો હેઠળ ૫૦ હજાર રૂપિયાના બે જામીન રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને જામીન મળી ગયા છે. તેલંગાણાની નામપલ્લી કોર્ટે પુષ્પા ૨ના પ્રીમિયર શો દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગમાં એક ૩૫ વર્ષીય મહિલાના મોત મામલે એક્ટર અલ્લુ અર્જુનની જામીન અરજી પર ચુકાદો આપ્યો છે. નામપલ્લી કોર્ટે એક્ટર અલ્લુ અર્જુનને રેગ્યુલર જામીન આપ્યા છે. કોર્ટે અલ્લુ અર્જુનને જામીન શરતો હેઠળ ૫૦ હજાર રૂપિયાના બે જામીન રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ મહિને સાઉથ ઇન્ડિયન સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા-૨ ફિલ્મના ૪ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ યોજાયેલા સ્ક્રીનિંગમાં હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. એ વખતે ચાહકો અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ઉમટી પડતાં નાસભાગ થઈ હતી. આ દરમિયાન એક ૩૫ વર્ષીય મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયો હતો. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ કેસ નોંધાયો છે. આ મામલે મહિલાના પરિવારે ફરિયાદ કરતાં અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ, થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫, ૧૧૮ (૧) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
નોંધનીય છે કે, આ ઘટનામાં દિલસુખનગરમાં રહેતી ૩૫ વર્ષીય રેવતી તેના પતિ અને બે બાળકોમાં એક ૯ વર્ષીય શ્રીતેજ અને ૭ વર્ષીય સાન્વિકા સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા ગઈ હતી. આ દરમિયાન નાસભાગ મચી જતાં રેવતી અને તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયા હતા. ત્યાર પછી પોલીસે તુરંત જ માતા અને પુત્રને વિદ્યાનગરના દુર્ગાભાઈ દેશમુખ હૉસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ડૉક્ટરે રેવતીને મૃત જાહેર કરી હતી. જ્યારે બાળકની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેમની સારવાર થઈ. આ ઘટના બાદ તેલંગાણાના મુખ્યમંત્રી એ.રેવંત રેડ્ડીએ આરોપ લગાવ્યા હતા કે, પોલીસની મંજૂરી ન મળવા છતાં અલ્લુ અર્જુન તે થિયેટરમાં પહોંચ્યા, જ્યાં ચાર ડિસેમ્બરે ‘પુષ્પા ૨’ બતાવવામાં આવી રહી હતી.
મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો હતો કે, ‘નાસભાગમાં એક મહિલાના મોત બાદ પણ એક્ટર થિયેટરથી બહાર ન ગયા, જ્યારબાદ પોલીસે તેમને જબરદસ્તી બહાર કાઢવા પડ્યા.’ રેડ્ડીએ રોડ શો યોજવા અને ભારે ભીડ છતા ભીડનું હાથ હલાવીને અભિવાદન કરવા માટે અલ્લુ અર્જુનને દોષિત ઠેરવ્યા.