બોલિવૂડ-ટીવી જગતમાં શોકનો માહોલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ૯૨ વર્ષની વયે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું.. મનમોહન સિંહ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને તેમના નિધન પર રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે પૂર્વ વડાપ્રધાનના નિધનના સમાચાર મળતા જ બોલિવૂડ અને ટીવી સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો અને પીઢ નેતાને શ્રદ્ધાંજલિ આપી હતી. ભારતીય રાજકારણ અને આર્થિક સુધારામાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.
પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધનથી બોલિવૂડ-ટીવી જગતમાં શોકનો માહોલ છે. ઘણા સ્ટાર્સે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી. જેમાં સની દેઓલે ડૉ. મનમોહન સિંહની ભૂમિકા પર એક ભાવનાત્મક સંદેશ શેર કર્યો હતો. “રાષ્ટ્રના વિકાસમાં તેમની બુદ્ધિમત્તા, પ્રમાણિકતા અને યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. મારી હૃદયપૂર્વકની સંવેદના.” અભિનેત્રી નિમરત કૌરે પોતાની ભાવનાત્મક નોટમાં લખ્યું કે, ‘એક વિદ્વાન-રાજકારણી, ભારતના આર્થિક સુધારાના શિલ્પકાર, તેમની અજોડ બુદ્ધિમત્તા અને નમ્રતાએ આપણા રાષ્ટ્રના ફેબ્રિક પર અમીટ છાપ છોડી છે. ડૉ. મનમોહન સિંહના આત્માને શાંતિ મળે. સતનામ વાહે ગુરુ.
ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે આધુનિક ભારતને આકાર આપવામાં મનમોહન સિંહની પરિવર્તનકારી ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ‘ડો. મનમોહન સિંહનું નિધન એક યુગનો અંત છે. ભારતના આર્થિક સુધારાના આર્કિટેક્ટ તરીકે, જાહેર સેવા પ્રત્યેના તેમના સમર્પણે આધુનિક ભારતને આકાર આપ્યો છે. તેમના પરિવારના સભ્યો અને ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. શ્રદ્ધાંજલિ આપતા અભિનેત્રી જેનેલિયા દેશમુખે લખ્યું કે, ‘આપણા પૂર્વ PM મનમોહન સિંહના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેઓ પોતાની પાછળ ઈમાનદારી, જ્ઞાન અને દેશની નિઃસ્વાર્થ સેવાનો વારસો છોડી ગયા છે. તેમના આત્માને શાંતિ મળે.’
મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપતા રવિ કિશને લખ્યું કે, ‘પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. ભગવાન રામને વિનંતિ છે કે, સદાચારી આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે. ‘ઓમ શાંતિ’ અભિનેતા રિતેશ દેશમુખે તેના પિતા વિલાસરાવ દેશમુખ સાથે મનમોહન સિંહની જૂની તસવીર શેર કરી છે. તેમણે લખ્યું કે, ‘આજે આપણે ભારતના શ્રેષ્ઠ વડાપ્રધાનમાંથી એક ગુમાવ્યા છે. ભારતની આર્થિક વૃદ્ધિને વેગ આપનાર વ્યક્તિ. તેઓ ગૌરવ અને નમ્રતાના પ્રતીક હતા. આપણે તેમના વારસાના હંમેશા ઋણી રહીશું. તેમના આત્માને શાંતિ મળે.’
મનોજ બાજપેયીએ પણ શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, ‘આપણા પૂર્વ વડાપ્રધાનના નિધનથી હું દુઃખી છું. એક એવા રાજકારણી જેમનું આપણા દેશના વિકાસના દરેક પાસામાં યોગદાન હંમેશા યાદ રહેશે. તેમના પરિવાર પ્રત્યે મારી દિલથી સંવેદના. કપિલ શર્માએ ઠ પર મનમોહન સિંહ સાથેની તેમની મીટિંગની જૂની તસવીર શેર કરી છે. તેમણે લખ્યું કે, ‘ભારતે આજે તેના શ્રેષ્ઠ નેતાઓમાંથી એક ગુમાવ્યો છે. ભારતના આર્થિક સુધારાના શિલ્પકાર અને પ્રામાણિકતા અને નમ્રતાના પ્રતિક ડૉ. મનમોહન સિંહે પ્રગતિ અને આશાનો વારસો છોડ્યો છે.’