ઇન્ટરવ્યૂમાં બોલિવૂડની રીતરસમોની ટીકા કરતાં કહી વાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
લેખક, નિર્દેશક, નિર્માતા અને અભિનેતા એવા અનુરાગ કશ્યપનું નામ ફિલ્મી રસિયાઓ માટે અજાણ્યું નથી. ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘દેવ ડી’ અને ‘ગુલાલ’ જેવી ઘણી કલ્ટ ફિલ્મો સાથે સંકળાયેલા અનુરાગ કશ્યપ હવે બોલિવૂડને અલવિદા કહી દેવાના મૂડમાં છે. બોલિવૂડની વર્તમાન સ્થિતિ પ્રત્યે નિરાશા વ્યક્ત કરીને તેમણે સર્જનાત્મક ઉત્તેજન માટે દક્ષિણ તરફ જવાની જાહેરાત કરી છે. ચાલો જાણીએ કે આટલા નિવડેલા સિને-કસબીએ કયા કારણસર આવું પગલું ભરવાની વાત કરી છે. એક ઇન્ટરવ્યૂમાં બોલિવૂડની રીતરસમોની ટીકા કરતાં અનુરાગ કશ્યપે એકથી વધુ મુદ્દા રજૂ કરીને દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ આગેકૂચ કરવાની ઈચ્છા જતાવી છે.
અનુરાગે કહ્યું હતું કે, ‘હિન્દી ફિલ્મ ઉદ્યોગના નફા અને માર્જિનમાં ખોવાઈ ગયો છે. ફિલ્મ બનવાની શરૂ થાય એ પહેલા જ એને કઈ રીતે વેચવી, ક્યાં વેચવી, એમાંથી કેટલો નફો થશે, એનું ગણિત માંડવાનું શરૂ કરી દેવાય છે. વાર્તામાં જરૂર ન હોય તોય ફિલ્મને કમર્શિયલ બનાવવા માટે એમાં જાતજાતના ગતકડાં કરાય છે, બિનજરૂરી ગીતો અને ફાઇટ ઊમેરાય છે. આમાં પછી કથાનો હાર્દ જ મરી જાય.’ ‘સત્યા’ના લેખકે કહ્યું હતું કે, ‘બોલિવૂડમાં કોઈએ નવું સર્જન કરવાની જહેમત નથી લેવી. ક્યાં તો જૂની હિટ ફિલ્મોની સિક્વલ બનાવશે અથવા તો સાઉથની સફળ ફિલ્મોની રિમેક બનાવશે.
મલયાલમ ફિલ્મ ‘મંજુમ્મેલ બોયઝ’ જેવી નવીન અને પ્રાયોગિક કથાઓ ધરાવતી ફિલ્મો અહીં કોઈએ બનાવવી નથી, પણ એવી ફિલ્મો સફળ થતાં જ એની રિમેકના હકો મેળવવા માટે બોલિવૂડના નિર્માતાઓ વચ્ચે સ્પર્ધા જામે છે. અહીં બધાંને રૂપિયા છાપી લેવા છે. બધાંને બોક્સઓફિસની પડી છે, કોઈએ સર્જનાત્મક જોખમ નથી લેવું, ચીલો ચાતરીને નવું નથી કરવું.’ ફિલ્મ સ્ટાર્સને આડેહાથે લેતાં અનુરાગે બળાપો ઠાલવ્યો હતો કે, ‘હવે કોઈને એક્ટર નથી બનવું, બધાને સ્ટાર બની જવું છે. એય રાતોરાત, ઝાઝી મહેનત કર્યા વિના. નવા આવેલા કલાકારોને પણ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા મળતા હવામાં ઊડવા લાગે છે. બધા પોતાની અલગ વેનિટી વાનની માંગ કરવા લાગે છે. વેનિટી વાન વિશે બોલતી વખતે અનુરાગે ‘ગેંગ્સ ઓફ વાસેપુર’નું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, ‘અમે ગેંગ્સ ઓફ વાસેપુરનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે સેટ પર એક જ વાન હાજર રહેતી. બધાં તેનો વારાફરતી ઉપયોગ કરતા.’
ગુજરાતી ફિલ્મ ‘રોંગ સાઇડ રાજુ’ના નિર્માતા અનુરાગ કશ્યપે બોલિવૂડમાં કાર્યરત ટેલેન્ટ એજન્સીઓની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, ‘ટેલેન્ટ એજન્સીઓનું કામ હોય છે એક્ટર્સ અને ફિલ્મ મેકર્સ વચ્ચેની કડી બનવાનું, એને બદલે આ એજન્સીઓ દીવાલ બની બેઠી છે. એજન્સીઓને નવી પ્રતીભાઓ ખોજવામાં કોઈ રસ નથી હોતો, તેમને રસ હોય છે નવા કલાકારોની ફીમાંથી મળતા કમિશનમાં. તેઓ કલાકારોને અભિનય વર્કશોપમાં મોકલવાને બદલે જીમમાં જઈને બોડી બનાવવાની સલાહ આપે છે. આવી એજન્સીઓ કલાકારોની ગરજનો ગેરલાભ લે છે, તેમનું શોષણ જ કરે છે.’