ભારતની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ ‘પુષ્પા ૨ : ધ રૂલ’
(સંપૂર્ણ સમાચાર સેવા)
અલ્લુ અર્જુનની ‘પુષ્પા ૨ : ધ રૂલ’ બોક્સ ઓફિસ પર સતત ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ જોરદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે દેશભરમાં ૧૦૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો અને હવે તેની કમાણી ૧૧૦૦ કરોડને પાર કરી ગઈ છે. ૨૪માં દિવસે ફિલ્મની કમાણીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ત્યારે ચાલો તમને જણાવીએ કે અલ્લુ અર્જુનની ‘પુષ્પા ૨: ધ રૂલ’ એ ભારતમાં અત્યાર સુધીમાં કેટલા કરોડની કમાણી કરી છે.
‘પુષ્પા ૨: ધ રૂલ’ વર્ષ ૨૦૨૪ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, ફિલ્મે પહેલા અઠવાડિયામાં ૭૨૫.૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. બીજા સપ્તાહમાં રૂ. ૨૬૪.૮ કરોડની કમાણી થઈ હતી. ત્રીજા સપ્તાહમાં ફિલ્મે ૧૨૯.૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જ્યારે ચોથા શુક્રવારે ૮.૭૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
હવે ચોથા શનિવારે કમાણીના લેટેસ્ટ આંકડા સામે આવ્યા છે. અલ્લુ અર્જુનની ફિલ્મએ ૨૪માં દિવસે દેશભરમાં ૧૨.૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રીતે, ફિલ્મે ભારતમાં અત્યાર સુધીમાં ૧૧૪૧.૩૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આમાં હિન્દી વર્ઝનનું કલેક્શન ૭૦૦ કરોડ રૂપિયા છે. આ સાથે ‘પુષ્પા ૨: ધ રૂલ’ અલ્લુ અર્જુનના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
વર્લ્ડ વાઈલ્ડ કલેક્શનની વાત કરીએ તો, વિશ્વભરમાં ૧૭૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આમિર ખાનની ‘દંગલ’ અને પ્રભાસની ‘બાહુબલી ૨’ પછી તે ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ છે. જો અલ્લુ અર્જુનની ફિલ્મ આ જ ગતિએ કમાણી કરતી રહી તો ‘બાહુબલી ૨’નો રેકોર્ડ ટૂંક સમયમાં તૂટી શકે છે.
નોંધનીય છે કે અલ્લુ અર્જુનની ‘પુષ્પા ૨: ધ રૂલ’નું નિર્દેશન સુકુમારે કર્યું છે અને તેણે વાર્તા પણ લખી છે. આમાં રશ્મિકા મંદાના, ફહાદ ફાઝીલ, જગપતિ બાબુ, સુનીલ અને રાવ રમેશ જેવા સ્ટાર્સ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મ ‘પુષ્પા : ધ રાઇઝ’નો પહેલો ભાગ વર્ષ ૨૦૨૧માં રિલીઝ થયો હતો જે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થયો હતો.