છેલ્લાં ૧૦ વર્ષથી મહિલાને થઇ રહી હતી પીડા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલાના નાકમાં દાંત ઉગ્યો હતો.. નાકમાં જમણી બાજુથી અવરોધ સાથે દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હતું. એટલું જ નહીં, ગંભીર માથાનો દુઃખાવો અને વારંવાર થતી શરદીની સમસ્યાથી આ મહિલા પરેશાન થતાં હતાં. છેલ્લાં ૧૦ વર્ષથી તેઓ આ સમસ્યાથી પીડાતાં હતાં. જોકે ખાનગી હોસ્પિટલના ડોક્ટરે દૂરબીન વડે ૩૮ વર્ષીય મહિલાની સફળ સર્જરી કરી હતી અને તેઓ હાલ સંપૂર્ણપણે સ્વસ્થ છે.
ENT સર્જન ડો. હિમાંશુ ઠક્કરના જણાવ્યા મુજબ રાજકોટની ૩૮ વર્ષીય મહિલાને ૧૦ વર્ષથી નાકમાં જમણી બાજુ અવરોધ હતો અને દુર્ગંધ મારતું પ્રવાહી તેમજ માથામાં ગંભીર દુઃખાવો અને વારંવાર થતી શરદીની સમસ્યા હતી. સ્થાનિક દવાઓથી રાહત ન મળતાં તેમણે મારો સંપર્ક કર્યો હતો. અહીં તેમના નાકની એન્ડોસ્કોપી અને સીટી સ્કેન કરતાં નાકમાં જમણી બાજુ દાંત જેવી રચના મળી હતી અને તે ગ્રેન્યુલેશન ટિસ્યૂ અને પ્રવાહીથી ઘેરાયેલી હતી. આને ‘એક્ટોપિક ટૂથ’ તરીકે ઓળખવામાં આવે છે, જે દાંત ખોટી જગ્યાએ ઊગે ત્યારે થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ એક અતિદુર્લભ સ્થિતિ છે, જેની ગણતરી માત્ર ૦.૧થી ૧ ટકા કેસમાં થાય છે. સાહિત્ય અનુસાર વિશ્વભરમાં ૫૦થી પણ ઓછા કેસ નોંધાયેલા છે. આ અંગે જાણકારી આપી મહિલાને એન્ડોસ્કોપિક સર્જરીની સલાહ આપી હતી. ઓપરેશન દરમિયાન મોટી પથ્થર જેવું બહાર કાઢવામાં આવ્યું હતું. જેમાં દાંત સમાયેલો હતો. આ દાંત નાકમાં જમણી બાજુ અંદરના ભાગ (ઇન્ફિરિયર ટર્બિનેટ)માં ઊગ્યો હતો.સર્જરી પૂરી રીતે સફળ રહી હતી અને દર્દીને કોઇપણ જાતની તકલીફ વિના હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
હાલ તેઓ સંપૂર્ણ રીતે તંદુરસ્ત છે. તેમના માથાનો દુઃખાવો દૂર થઈ ગયો છે. તેઓ સરળતાથી શ્વાસ લઈ શકે છે. વર્ષો જૂની સમસ્યાનું યોગ્ય નિદાન કરી સફળ સારવાર કરવા બદલ દર્દીએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને તેમની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનું નિરાકરણ આવતાં પરિવારજનોએ પણ રાહત અનુભવી છે.