Last Updated on by Sampurna Samachar
ફ્રેન્ચાઈઝી અને તેના સમર્થકોની માફી માંગી
હું આગામી શ્રેણીની તૈયારી કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ બનવા માગું છું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકે ૨૨ માર્ચથી શરૂ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૫ સીઝન પહેલા દિલ્હી કેપિટલ્સ સાથેનો તેનો કરાર સમાપ્ત કરી દીધો છે, જેના કારણે તેના પર આ ટુર્નામેન્ટમાં રમવા માટે ૨ વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે. આ સતત બીજી સિઝન છે જ્યારે ૨૬ વર્ષીય ઇંગ્લેન્ડના ખેલાડી હેરી બ્રુકે પોતાને IPL માટે અનુપલબ્ધ જાહેર કર્યો છે. આ માટે તેણે ફ્રેન્ચાઈઝી અને તેના સમર્થકોની માફી માંગી હતી.
હેરી બ્રુકે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, મેં IPL આગામી સિઝનમાંથી ખસી જવાનો ખૂબ જ મુશ્કેલ ર્નિણય લીધો છે. હું દિલ્હી કેપિટલ્સ અને તેમના સમર્થકોની બિનશરતી માફી માંગુ છું. ઈંગ્લેન્ડ ક્રિકેટ માટે આ ખરેખર મહત્વનો સમય છે અને હું આગામી શ્રેણીની તૈયારી કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ બનવા માગું છું.
IPL ની છેલ્લી સિઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું
હેરી બ્રુકે કહ્યું કે, મારે મારી કારકિર્દીના અત્યાર સુધીના સૌથી વ્યસ્ત તબક્કા પછી ફ્રેશ થવા માટે સમયની જરૂર છે. હું જાણું છું કે દરેક જણ તેને સમજી શકશે નહીં અને હું તેમની પાસેથી પણ અપેક્ષા રાખતો નથી, પરંતુ મારે તે કરવું છે જે મને યોગ્ય લાગે છે અને મારા દેશ માટે રમવું એ મારી પ્રાથમિકતા છે અને તે જ મારું સંપૂર્ણ ધ્યાન છે.
હેરી બ્રુકે પણ તેની દાદીના અવસાનના કારણે IPL ની છેલ્લી સિઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના IPL સંબંધિત નિયમો અનુસાર, જો કોઈ વિદેશી ખેલાડી અનફિટ ન હોવાના કારણે હરાજીમાં પસંદ થયા બાદ આ ટૂર્નામેન્ટમાં નહીં રમે તો તેના પર IPL રમવા પર બે વર્ષનો પ્રતિબંધ લગાવી શકાય છે.
ગયા વર્ષે ટીમો સાથે શેર કરવામાં આવેલા ICC દસ્તાવેજ અનુસાર, કોઈપણ વિદેશી ખેલાડી જે હરાજીમાં નોંધણી કરાવે છે અને હરાજીમાં પસંદ થયા બાદ, સિઝનની શરૂઆત પહેલાં પોતાને અનુપલબ્ધ જાહેર કરે છે, તો તેના પર બે સિઝન માટે IPL અને IPL ની હરાજીમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.