Last Updated on by Sampurna Samachar
૪ દિવસના યુદ્ધ બાદ બંને દેશ વચ્ચે થયુ સમાધાન
મલેશિયા દ્વારા મધ્યસ્થી બાદ સીઝફાયર માટે થયા હતા સહમત
(સંપૂર્ણ સમાચાર સેવા)
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા યુદ્ધ બાદ અંતે તત્કાલ અને શરત વિના સીઝફાયર થયુ છે. મલેશિયન વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે જાહેરાત કરી હતી કે, થાઈલેન્ડ અને કંબોડિયા અનેક દિવસોથી ચાલી રહેલા સરહદ સંઘર્ષનો અંત લાવવા તાત્કાલિક અને શરતો વિના યુદ્ધવિરામ પર સહમત થયા છે.
મલેશિયા દ્વારા મધ્યસ્થી બાદ થાઈલેન્ડ અને કંબોડિયા સીઝફાયર માટે સહમત થયા છે. બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા કરાવવા માટે અમેરિકાની એક ટીમ પણ મલેશિયા પહોંચી હતી. કંબોડિયન વડાપ્રધાન હુન માનેટ અને થાઈલેન્ડના કાર્યકારી વડાપ્રધાન ફુમથમ વેચાયાચાઈએ મલેશિયાના પુત્રાજયામાં ઈબ્રાહિમના નિવાસ સ્થાને યોજાયેલી શાંતિ મંત્રણામાં ભાગ લીધો હતો. જેમાં ચીન અને અમેરિકાના રાજદૂત પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમે બંને દેશોના નેતાને ચીમકી આપી છે
બંને દેશો વચ્ચે ૨૪ જુલાઈના રોજથી તણાવ વધ્યો હતો. ૨૪ જુલાઈના રોજ થાઈલેન્ડે કંબોડિયાના અનેક ઠેકાણે એફ-૧૬ ફાઈટર પ્લેનની મદદથી બોમ્બ ફેંક્યા હતાં. મે મહિનાના અંતમાં થયેલી સરહદી અથડામણમાં એક કંબોડિયન સૈનિકની હત્યા બાદ થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે તણાવ વધ્યો છે. દાયકાઓથી ચાલી રહેલા વિવાદ વચ્ચે બંને દેશો વચ્ચે ફરી યુદ્ધ શરૂ થયુ હતું. અને માત્ર ચાર દિવસમાં, દક્ષિણ-પૂર્વ એશિયાઈ પડોશી દેશો વચ્ચે એક દાયકા જૂનો વિવાદ ફરી પાછો ઉગ્ર બન્યો હતો.
કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યારસુધી ૩૦ થી વધુના મોત થયા છે. જેમાં થાઈલેન્ડમાં ૧૩ અને કંબોડિયામાં આઠ નાગરિકોનો સમાવેશ છે. અધિકારીઓ જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારોમાંથી ૨, ૦૦,૦૦૦ થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
ટ્રમ્પે નિવેદન આપ્યું હતું કે, મારૂ માનવું છે કે થાઈલેન્ડ અને કંબોડિયા બંને પોતાના મતભેદો ઉકેલવા માંગે છે કારણ કે અમે બંને દેશોના નેતાને ચીમકી આપી છે કે, જ્યાં સુધી બંને દેશો આ યુદ્ધ સમાપ્ત નહીં કરે ત્યાં સુધી અમે તેમની સાથે વેપાર સોદા કરીશું નહીં.