Last Updated on by Sampurna Samachar
૫૦ લાખનું દેવું થઈ જતા હીરા દલાલે ઝેર પી જીવન ટૂંકાવ્યું
યુવાન વયે ઘરના મોભી એવા સંદીપભાઈએ આત્મહત્યા કરી લેતા પરિવાર નોંધારો બન્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રત્નનગરી સુરતમાં આર્થિક સંકડામણને કારણે વધુ એક આશાસ્પદ યુવકે મોતને વહાલું કર્યું છે.સુરતના યોગીચોક વિસ્તારમાં રહેતા અને હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા એક યુવકે અંદાજે ૫૦ લાખ રૂપિયાના દેવાથી કંટાળી ઝેર પી જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, યોગીચોક વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય સંદીપભાઈ ચોડવડીયા હીરા દલાલીનું કામ કરતા હતા. દિવાળી પહેલા તેમને હીરાના વ્યવસાયમાં અંદાજે ૫૦ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. આટલી મોટી રકમનું દેવું થઈ જતા તેઓ છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવમાં રહેતા હતા. લેણદારોના સતત ફોન આવતા હોવાથી તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા.
યુવાન વયે ઘરના મોભી એવા સંદીપભાઈએ આત્મહત્યા કરી લેતા પરિવાર નોંધારો બન્યો
સંદીપભાઈએ ઝેર પીધા બાદ અલગ-અલગ ત્રણ વીડિયો બનાવ્યા હતા. આ વીડિયોમાં તેમની લાચારી સાફ દેખાઈ રહી હતી. તેમણે ભારે હૈયે કહ્યું હતું કે, મારાથી હવે જીવાતું નથી, મારા છોકરા હજુ નાના છે. મારે આ પગલું ભરવું નથી પણ હવે કોઈ રસ્તો રહ્યો નથી, બધું થઈ જાય એમ છે. લેણદારોને જવાબ આપવા માટે તેમની પાસે હવે કંઈ બચ્યું ન હોવાનો ઉલ્લેખ પણ તેમણે વીડિયોમાં કર્યો હતો.
નાની ઉંમરના સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હીરા ઉદ્યોગમાં મંદી અને દેવાને કારણે સર્જાયેલી આ ઘટનાએ ફરી એકવાર સુરતના શ્રમિકો અને દલાલોની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય સામે સવાલો ઉભા કર્યા છે.