Last Updated on by Sampurna Samachar
સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે દફનાવવામાં આવ્યા
હું દેશની સેવાને પહેલી પ્રાથમિકતા આપીશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લાના દુદા બસંતગઢ વિસ્તારમાં એન્ટી ટેરર ઓપરેશન દરમિયાન શહીદ થયેલા ભારતીય સેનાના સૈનિક ઝંટુ અલી શેખને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં તેમના વતનમાં સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે દફનાવવામાં આવ્યા હતા. જ્યાં શહીદ જવાનના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આ દરમિયાન ઝંટુ અલી શેખના ભાઈ રફીકુલ શેખ દ્વારા આપવામાં આવેલું ભાષણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. લોકો શહીદ જવાન અને તેમના પરિવારની વિચારસરણીને સલામ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ઝંટુ અલી શેખનો ભાઈ રફીકુલ શેખ પણ ભારતીય સેનામાં સુબેદાર છે.
એન્કાઉન્ટરમાં ગોળી વાગી ને શહીદ થયો
ઝંટુ અલી શેખ ભારતીય સેનાના ૬ પેરા સ્પેશિયલ ફોર્સમાં હવાલદારના પદ પર હતો. તેણે આગ્રામાં પેરા કમાન્ડોની ટ્રેનિંગ પૂર્ણ કરી હતી. તે જમ્મુ અને કાશ્મીરમાં સેનાના વ્હાઇટ નાઈટ કોર્પ્સમાં પોસ્ટેડ હતો. પહેલગામ હુમલા બાદ સેનાને માહિતી મળી હતી કે, કેટલાક આતંકવાદીઓ જંગલોમાં છુપાયેલા છે. આ ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું, જેમાં આતંકવાદીઓ સાથેની એન્કાઉન્ટરમાં ઝંટુ અલી શેખને ગોળી વાગી અને તે શહીદ થયો.
સુબેદાર રફીકુલે પોતાના ભાઈને દફનાવ્યા બાદ વાત કરી કરતાં કહ્યું કે, ‘આતંકવાદીઓએ મારા ભાઈ ઝંટુ અલી પર પાછળથી હુમલો કર્યો. અમારું કામ તેની શહાદતનો બદલો લેવાનું છે. અમે બદલો લઈશું અથવા મરી જઈશું.‘
તેમણે સ્થાનિક લોકોને અપીલ કરી, ‘મારા ભાઈને બે બાળકો છે. કૃપા કરીને તેમના માટે કંઈક વ્યવસ્થા કરો.‘ પોતાના ભાઈના બલિદાન પર વાત કરતાં તેમણે કહ્યું, ‘મને ગર્વ છે કે મારા ભાઈએ દેશ માટે પોતાનો જીવ આપ્યો છે. દુખ અપાર છે. પરંતુ લાખોમાંથી થોડા લોકોને જ દેશ માટે મરવાની તક મળે છે. તે ફક્ત અમારા પરિવારનું ગૌરવ જ નહીં, પરંતુ સમગ્ર નાદિયા જિલ્લા અને બંગાળનું ગૌરવ છે.‘
સુબેદાર રફીકુલે પોતાના ભાઈના પગલે ચાલવાની ઇચ્છા વ્યક્ત કરી અને કહ્યું, ‘હું મારા ભાઈના પુત્ર અને પુત્રીને સેનામાં મોકલવાનો પ્રયાસ કરીશ. મારા માટે દેશ પહેલા આવે છે અને પછી પરિવાર. મારી ફરજ પહેલા દેશ પ્રત્યે છે.
હું દેશની સેવાને પહેલી પ્રાથમિકતા આપીશ. ભારતીય સેના કોઈ ચોક્કસ ક્ષેત્ર કે પ્રદેશના લોકોથી બનેલી નથી, પરંતુ સમગ્ર દેશના લોકોથી બનેલી છે. કબ્રસ્તાનમાં ઝંટુ અલી શેખના દફન સમયે હજારો લોકો હાજર હતા. તેઓ ‘ભારત અમર રહો, શહીદ જવાન અને તેમના પરિવાર‘ ના નારા લગાવી સાંભળવા મળ્યા હતા.