Last Updated on by Sampurna Samachar
ભારતીય દુતાવાસે ઇમરન્સી નંબર જાહેર કર્યા
૧૨ મિનિટ બાદ ૬.૪ની તીવ્રતાનો આફ્ટરશોક અનુભવાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગકોક અને થાઇલેન્ડના અન્ય વિસ્તારોમાં શક્તિશાળી ભૂકંપ બાદ ભારતીય દૂતાવાસ સતત થાઈ સત્તાવાળાઓ સાથે સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. દૂતાવાસે જણાવ્યું છે કે અત્યાર સુધી કોઈપણ ભારતીય નાગરિકને સંડોવતા કોઈ અનિચ્છનીય ઘટનાના સમાચાર મળ્યા નથી, જે રાહતની વાત છે.
થાઇલેન્ડમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીય નાગરિકોને કોઈપણ કટોકટીના સંજોગોમાં તાત્કાલિક સહાયતા માટે એક ઇમરજન્સી નંબર જાહેર કર્યો છે. દૂતાવાસે સલાહ આપી છે કે જરૂર પડે તો ભારતીય નાગરિકો +૬૬ ૬૧૮૮૧૯૨૧૮ પર સંપર્ક કરી શકે છે.
ભારતીય નાગરિકોની સુરક્ષા માટે પગલાં લેવાયા
દૂતાવાસે વધુમાં માહિતી આપી છે કે બેંગકોકમાં આવેલું ભારતીય દૂતાવાસ અને ચિયાંગ માઈમાં આવેલું કોન્સ્યુલેટ જનરલના તમામ સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત છે. ભૂકંપના કારણે દૂતાવાસના કોઈ પણ કર્મચારીને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી.
ભારતીય દૂતાવાસ થાઈ સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં રહીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યું છે. થાઇલેન્ડમાં રહેતા ભારતીય નાગરિકોને શાંતિ જાળવવા અને દૂતાવાસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
મ્યાનમાર અને થાઇલેન્ડમાં શક્તિશાળી ભૂકંપથી ભારે તબાહી મચી છે, જેના ભયાનક દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ક્યાંક મોટી ઇમારતો ધરાશાયી થઈ રહી છે તો ક્યાંક લોકો ભયભીત થઈને જીવ બચાવવા દોડાદોડી કરી રહ્યા છે. ભૂકંપ બાદ શરૂ થયેલા રાહત અને બચાવ કાર્ય દરમિયાન કાટમાળ નીચે દટાયેલા લોકોની તસવીરો પણ હૃદયદ્રાવક છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા શક્તિશાળી ભૂકંપ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બંને દેશોની સરકારોને શક્ય તમામ મદદ આપવાનું વચન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું, “હું મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપ પછીની પરિસ્થિતિને લઈને ચિંતિત છું. હું દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. ભારત દરેક શક્ય મદદ આપવા માટે તૈયાર છે. આ સંદર્ભે અમે અમારા અધિકારીઓને તૈયાર રહેવા કહ્યું છે. સાથે જ વિદેશ મંત્રાલયને મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારોના સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.”
મ્યાનમારમાં ૭.૭ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેના માત્ર ૧૨ મિનિટ બાદ ૬.૪ની તીવ્રતાનો આફ્ટરશોક પણ અનુભવાયો હતો. થાઇલેન્ડમાં પણ આ શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારના સાગાઈંગ શહેરથી ૧૬ કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં હતું અને તેની ઊંડાઈ જમીનથી ૧૦ કિલોમીટર અંદર હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર મંડલે શહેરની નજીક હતું.
મ્યાનમારની રાજધાની નેપ્યીડો અને સૌથી મોટા શહેર યાંગૂનમાં પણ ભૂકંપના ખૂબ જ શક્તિશાળી આંચકા અનુભવાયા હતા. મળતા અહેવાલો અનુસાર, મંડલે વિસ્તારમાં કેટલીક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે, અને મંડલે તથા યાંગોન વચ્ચેના ઘણા રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે અને તૂટી ગયા છે.
થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં જ્યારે ભૂકંપના આંચકા અનુભવાયા ત્યારે સ્થાનિક લોકો પોતાનાં ઘરો અને ઇમારતોમાંથી બહાર નીકળીને શેરીઓમાં દોડી આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બેંગકોકની એક બહુમાળી ઇમારત ધરાશાયી થતી જાેવા મળી રહી છે. આખી ઇમારત થોડી જ સેકન્ડોમાં ધૂળના વાદળમાં ફેરવાઈ ગઈ હતી. ત્યાં હાજર લોકો ચીસો પાડતા અને ભાગતા જાેવા મળ્યા હતા.
બેંગકોક પોલીસે માહિતી આપી છે કે શુક્રવારે બપોરે ૭.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, સંભવિત જાનહાનિનો ચોક્કસ આંકડો હજુ સુધી જાણી શકાયો નથી. બેંગકોકના લોકોએ આ ભયાનક ભૂકંપના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમાં ઊંચી ઇમારતો પર બનેલા સ્વિમિંગ પૂલમાંથી પાણી બહાર પડતું અને ઘણી ઇમારતો પરથી કાટમાળ નીચે પડતો જોવા મળી રહ્યો છે.
મ્યાનમાર અને બેંગકોકમાં આવેલા આ શક્તિશાળી ભૂકંપ બાદ અનેક વિસ્તારોમાંથી લોકોના મોતના દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. શરૂઆતી અહેવાલો અનુસાર, આ ભૂકંપમાં સેંકડો લોકોના જીવ જવાની આશંકા છે. તમને જણાવી દઈએ કે આ ભૂકંપના આંચકા ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક ભાગો અને ચીનમાં પણ અનુભવાયા હતા. સ્થાનિક સમય અનુસાર, આ ભૂકંપ બપોરે ૧૨.૫૦ કલાકે આવ્યો હતો.
આ સમાચાર લખાય છે ત્યાં સુધી મ્યાનમારમાંથી ૨૦ અને થાઇલેન્ડમાંથી ૨૫ લોકોના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. વિશ્વભરના નેતાઓએ આ વિનાશક ભૂકંપથી પ્રભાવિત પીડિતોને તમામ શક્ય મદદની ખાતરી આપી છે અને તમામ દેશોના લોકો ભૂકંપ પીડિતોની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે.