Last Updated on by Sampurna Samachar
૧૩૦ ગ્રાહકો પાસેથી ગેરરીતે વસૂલ્યા રૂપિયા
એક કર્મી દ્વારા ગ્રાહકોના કાપેલા કનેક્શન ગેરરીતે ફરી ચાલુ કરીને રૂપિયા ઉઘરાવ્યાનો આરોપ લાગ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા જિલ્લાના કડી શહેરમાં વીજ વિભાગ સાથે જોડાયેલ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. છત્રાલ રોડ સ્થિત વીજ કચેરી સાથે સંકળાયેલા એક કર્મી દ્વારા ગ્રાહકોના કાપેલા કનેક્શન ગેરરીતે ફરી ચાલુ કરીને રૂપિયા ઉઘરાવ્યાનો આરોપ લાગ્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ, આરોપીએ કુલ ૧૩૦ ગ્રાહકોના વીજ કનેક્શન ગેરકાયદેસર રીતે ફરી ચાલુ કરી આપ્યા હતા. બદલામાં દરેક પાસેથી રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. આ રીતે કુલ રૂ. ૧.૨૯ લાખની ઉઘરાણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ગ્રાહકો પાસેથી રોકડ વસૂલાત પર નિયંત્રણ કેમ ન હતું?
આ સમગ્ર કૌભાંડમાં પેટા કોન્ટ્રાક્ટર કંપની સાથે જોડાયેલા કર્મી મંડલી ફૈજાનનું નામ સામે આવ્યું છે. આરોપ છે કે તેણે પોતાની સત્તાનો ગેરઉપયોગ કરીને આ ગેરરીતિ આચરી હતી.આ મામલે પોલીસ સ્ટેશન ખાતે સત્તાવાર રીતે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ગુનો દાખલ કરીને સમગ્ર કૌભાંડની તપાસ શરૂ કરી છે.
આ ઘટના પછી વીજ વિભાગની કાર્યપદ્ધતિ અને મોનિટરિંગ સિસ્ટમ પર ગંભીર સવાલો ઉભા થયા છે. કાપેલા કનેક્શન ફરી ચાલુ થતા કોઈ તપાસ કેમ ન થઈ? ગ્રાહકો પાસેથી રોકડ વસૂલાત પર નિયંત્રણ કેમ ન હતું? પેટા કોન્ટ્રાક્ટર પર દેખરેખ કેટલી અસરકારક છે?