Last Updated on by Sampurna Samachar
દિલ્હી ચૂંટણી અંગેના પ્રથમ સર્વેથી લોકોમાં આશ્ચર્ય
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી ચૂકી છે. જેના બાદ રાજધાની દિલ્હીમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ સમયે દરેકના મનમાં સવાલ એ છે કે આ વખતે દિલ્હીમાં કોની સરકાર બનશે. આ દરમિયાન વિધાનસભાની ચૂંટણી અંગેના પ્રથમ સર્વેએ સૌને ચોંકાવી દીધા છે.
ટાઇમ્સ નાઉ જેવીસી પોલમાં આપ અને ભાજપ વચ્ચે ખૂબ જ નજીકની સ્પર્ધાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. ત્રણ પરિબળોના આધારે કરાયેલા આ સર્વેમાં ભાજપ સત્તાની ખૂબ નજીક અથવા બહુમતીથી આગળ જતું જણાય છે.
ભાજપે હજુ સુધી સત્તાવાર રીતે મહિલાઓ માટે સહાયનું વચન આપ્યું નથી. બીજી તરફ આમ આદમી પાર્ટીએ માસિક ૨૧૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ટાઈમ્સ નાઉ જેવીસી સર્વે અનુસાર, આ સંજોગોમાં આમ આદમી પાર્ટીને સીધો ફાયદો થઈ શકે છે. તેમને ૫૫ ટકા મહિલાઓના વોટ મળી શકે છે. જ્યારે ભાજપને ૩૯ ટકા, કોંગ્રેસને ૫ ટકા અને અન્યને ૧ ટકા મહિલા મતદારોનું સમર્થન મળી શકે છે.
આમ આદમી પાર્ટીને મહિલા અને પુરૂષ મતદારોમાંથી લગભગ ૫૧.૩૦ લાખ મત (૫૧.૨૦ ટકા) મળી શકે છે. બીજી તરફ ભાજપને ૪૦.૬૩ ટકા વોટ સાથે ૪૦.૭૦ લાખ વોટ મળી શકે છે. અન્યને ૧.૫૪ ટકા વોટ મળી શકે છે. જો સીટોની વાત કરીએ તો આમ આદમી પાર્ટીને ૫૬-૬૦ સીટો અને બીજેપીને ૧૦-૧૪ સીટો મળી શકે છે. આવા સંજોગોમાં કોંગ્રેસનું ખાતું પણ નહીં ખૂલે.
આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે જો ભાજપ મહિલાઓ માટે લાડલી બહેના જેવી સ્કીમ લાવે તો તેનો ફાયદો તેમને મળી શકે છે. આ દરમિયાન તેમને ૪૫ ટકા મહિલા મતદારોનું સમર્થન મળી શકે છે. જ્યારે, ૫૦ ટકા આમ આદમી પાર્ટીને જ પસંદ કરશે. જ્યારે કોંગ્રેસને ૪ ટકા અને અન્યને ૧ ટકા વોટ મળી શકે છે. આવા સંજાેગોમાં આમ આદમી પાર્ટીને ૪૭.૩૭ લાખ (૪૭.૨૯ ટકા) વોટ મળી શકે છે. ભાજપને ૪૫.૦૫ લાખ (૪૪.૯૯ ટકા) મળી શકે છે. કોંગ્રેસને ૬.૧૬ ટકા અને અન્યને ૧.૫૪ ટકા વોટ મળી શકે છે.
આ સંજોગોમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગાઢ મુકાબલો થઈ શકે છે. આપને ૩૩-૩૭ બેઠકો મળી શકે છે, જ્યારે ભાજપને ૩૩-૩૬ બેઠકો મળવાનું અનુમાન છે. કોંગ્રેસને પણ એક બેઠક મળી શકે છે.
જો કોંગ્રેસ ૨૫૦૦ રુપિયાવાળી પ્યારી દીદી યોજના અને અન્ય મફતના વાયદાઓ પર ભાર મૂકે છે, તો આમ આદમી પાર્ટીને નુકસાન થઈ શકે છે. સર્વે અનુસાર, જો કોંગ્રેસ પોતાના વાયદાઓનો સારી રીતે પ્રચાર કરે તો તેને ૭.૫ ટકા વોટ મળી શકે છે. આ સંજોગોમાં આપને ૪૪.૭૪ ટકા અને ભાજપને ૪૬.૧૬ ટકા વોટ મળવાની ધારણા છે. આ સંજોગોમાં આમ આદમી પાર્ટી બહુમતીમાં પાછળ રહી શકે છે. આ સમયગાળા દરમિયાન આમ આદમી પાર્ટીને ૨૭થી ૩૩ બેઠકો મળી શકે છે. ભાજપ ૩૭-૪૧ બેઠકો જીતીને સરકાર બનાવી શકે છે. આવા સંજોગોમાં કોંગ્રેસ માત્ર ૦-૨ બેઠકો સુધી મર્યાદિત રહી શકે છે.