Last Updated on by Sampurna Samachar
જિલ્લા મેજિસ્ટ્રેટની વેબસાઇટ પર અપલોડ કરાયા
૬૫ લાખ મતદારોના નામ ચૂંટણી પંચે કર્યા જાહેર
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા SIR અને મત ચોરીનો મુદ્દો વધુ વકરી રહ્યો છે. કોંગ્રેસ સહીતના વિપક્ષ દ્વારા આ મુદ્દે સતત ચૂંટણી પંચ પર અનેક આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ ચૂંટણી પંચ પણ આરોપો સામે પ્રત્યુતર આપીને તેને સાચા ઠેરવવા માટેના પુરાવાઓ માંગી રહ્યું છે.
SIR દરમિયાન, બિહાર મતદાર યાદીમાંથી લગભગ ૬૫ લાખ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા હતા. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે આ કાઢી નાખેલા નામો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી કાઢી નખાયેલા ૬૫ લાખ લોકોના નામ વેબસાઇટ પર અપલોડ કર્યા છે.
બૂથ લેવલ અધિકારીઓની મદદથી મતદાર યાદી તૈયાર કરે
સુપ્રીમ કોર્ટના આદેશ પછી, ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે બિહારની મતદાર યાદીમાંથી દૂર કરાયેલા ૬૫ લાખ લોકોના નામ જિલ્લા મેજિસ્ટ્રેટની વેબસાઇટ પર ( જે તે મતદાર વિસ્તારના ક્ષેત્ર) અપલોડ કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા અનુસાર, ચૂંટણી નોંધણી અધિકારી , જે સ્તરના અધિકારી છે, બૂથ લેવલ અધિકારીઓની મદદથી મતદાર યાદી તૈયાર કરે છે અને તેને અંતિમ સ્વરૂપ આપે છે.
જો બિહારમાં હાથ ધરવામાં આવેલા SIR માં તમારું નામ પણ કાઢી નાખવામાં આવ્યું હોય, તો તમે આ વેબસાઇટ પર જઈને તમારા નામ વિશે માહિતી મેળવી શકો છો. આ સાઈટમાં જઈને જિલ્લા અને વિધાનસભા પસંદ કરીને, તમે તમારા નામ તેમજ તમારી આસપાસના લોકોના નામ પણ ચકાસી શકો છો. ગયા અઠવાડિયે, બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સામેની અરજીઓની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે પારદર્શિતા વધારવા માટે દૂર કરાયેલા નામો જાહેર કરવા જોઈએ.
સુપ્રીમ કોર્ટે અરજીઓની સુનાવણી કરતી વખતે ચૂંટણી પંચને ૫૬ કલાકનો સમય આપ્યો હતો. આ સમય દરમિયાન કાઢી નાખવામાં આવેલા બધા નામો વેબસાઇટ પર અપલોડ કરવાના હતા. કોર્ટના આદેશ મુજબ ચૂંટણી પંચે જિલ્લા વેબસાઇટ પર કાઢી નાખેલા તમામ નામો અપલોડ કર્યા છે.
ચૂંટણી પંચે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આમાં, મુખ્ય ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, મતદાર યાદી પ્રકાશિત થાય તે પહેલાં, સામાન્ય જનતા અને લોકોને તેમના વાંધા નોંધાવવા માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. હજુ ૧૫ દિવસ બાકી છે. જેમના નામ ડ્રાફ્ટ યાદીમાં નથી તેઓ આધાર કાર્ડ સહીતના જરૂરી પુરાવાઓ દ્વારા મતદાર યાદીમાં પોતાના નામ ઉમેરી શકે છે.