Last Updated on by Sampurna Samachar
રાહુલ ગાંધીના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા
રોજે અમને આવી અનેક ધમકીઓ મળે છે : ચૂંટણી પંચ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર લગાવેલા ગંભીર આરોપ પર ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપી છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, આ પ્રકારના પાયાવિહોણા આરોપોની અમે અવગણના કરીએ છીએ.

ચૂંટણી પંચે નિવેદન જાહેર કરી જણાવ્યું કે, ચૂંટણી પંચ રોજબરોજ થતાં આ પ્રકારના પાયાવિહોણા આરોપોની અવગણના કરે છે. રોજે અમને આવી અનેક ધમકીઓ મળે છે. ચૂંટણી પંચના તમામ અધિકારીઓને આ પ્રકારના બિનજવાબદાર નિવેદનોને અવગણના કરવા સૂચન અપાયું છે.
કોંગ્રેસ સહિત વિપક્ષે સતત રોષ ઠાલવ્યો
પારદર્શિતા અને નિષ્પક્ષ ધોરણે કામ કરતા રહો. બિહારમાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) હાથ ધરવાની ચૂંટણી પંચની કામગીરીથી કોંગ્રેસ સહિત વિપક્ષ સતત રોષ ઠાલવી રહ્યું છે. તે આ પ્રક્રિયા ભાજપ સાથેની મિલિભગત હેઠળ થઈ રહી હોવાના આરોપો પણ મૂકી રહ્યું છે. આ સિવાય રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ચોંકાવનારો મત ચોરીનો આરોપ મૂક્યો છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મતોની ચોરીમાં ચૂંટણી પંચ સામેલ છે. અને હું ગંભીરતાપૂર્વક આ વાત કરી રહ્યો છું. હું ૧૦૦ ટકા પુરાવા સાથે આ બોલી રહ્યો છું. આખા દેશને ખબર પડશે કે, ચૂંટણી પંચ મતોની ચોરી કરાવી રહ્યું છે. અને તે કોના માટે કામ કરી રહ્યું છે ? ચૂંટણી પંચ ભાજપ માટે આ કામ કરી રહ્યું છે, આ ઓપન એન્ડ શટ છે, તેમાં કોઈ શંકા નથી. અમને મધ્યપ્રદેશમાં શંકા હતી, લોકસભામાં પણ શંકા હતી.
મહારાષ્ટ્રમાં અમારી આ શંકા ગાઢ બની. અમને લાગ્યું કે, રાજ્ય સ્તરે મતોની ચોરી થઈ છે. એક કરોડ મતદારો ઉમેરાયા હતા. બાદમાં અમે વિગતો મંગાવી. ચૂંટણી પંચે અમારી મદદ ન કરી. તેથી અમારે વધુ ઊંડાણમાં તપાસ કરવી પડી. અમને તપાસમાં છ મહિનાનો સમય લાગ્યો. પરંતુ અમને જે મળ્યું છે તે એટમ બોમ્બ છે. જો તે ફાટશે તો ચૂંટણી પંચ હિન્દુસ્તાનમાં ક્યાંય દેખાશે નહીં.