Last Updated on by Sampurna Samachar
નવા મતદારોના નામ પણ જોડવામાં આવ્યા
ચૂંટણી પંચની વેબસાઈટ પર ફાઈનલ મતદાર યાદી જાહેર
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહાર વિધાનસભામાં ચૂંટણી નજીક છે ત્યારે ચૂંટણી પંચે ફાઈનલ મતદાર યાદી જાહેર કરી દીધી છે. સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા પૂરી થયા પછી ૩૦ સપ્ટેમ્બરના રોજ ચૂંટણી પંચે જાહેર કર્યું હતું કે, અમે ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ પર ફાઈનલ મતદાર યાદી જાહેર કરી દીધી છે.

ચૂંટણી પંચના મતે, હવે કોઈ પણ મતદાર સત્તાવાર પોર્ટલ પર જઈને પોતાનું નામ અને વિગતો જોઈ શકે છે. મતદાર યાદીમાં નામ નોંધાતા જ મતદાનનો અધિકાર સુનિશ્ચિત થાય છે, એટલે ચૂંટણી પંચે તમામ લાયક નાગરિકોને તેમની વિગતો ચકાસી લેવાની અપીલ કરી છે.
હવે નામ જોડવા માટે આધાર પણ માન્ય કરી દેવાયો
SIR પ્રક્રિયા હેઠળ નવા મતદારોના નામ પણ જોડવામાં આવ્યા છે. મૃતકો અને ડુપ્લિકેટ વિગતોને હટાવી દેવાઈ છે. આ ઉપરાંત જે મતદારોએ સ્થાનાંતરણ કર્યું છે, તેમના સરનામા પણ અપડેટ કરી દેવાયા છે. આ વખતે ચૂંટણી પંચે ટેકનિકલ સાધનોના ઉપયોગ પર ખાસ ભાર મૂક્યો છે, જેથી મતદારોને પારદર્શક અને સચોટ યાદી મળી શકે.
ફાઈનલ ડેટા પ્રમાણે, બિહારના પટણા જિલ્લામાં અત્યારે કુલ ૪૮ લાખ, ૧૫ હજાર અને ૨૯૪ મતદાર છે. જ્યારે ૧ ઓગસ્ટ ૨૦૨૫ના ડ્રાફ્ટ પ્રમાણે મતદાર યાદીમાં ૪૬ લાખ, ૫૧ હજાર, ૬૯૪ મતદાર હતા. એક મહિલા સુધી ચાલેલા દાવા અને સુધારા પ્રક્રિયા પછી પટણામાં કુલ ૧ લાખ, ૬૩ હજાર, ૬૦૦ નવા મતદાર જોડવામાં આવ્યા છે. તેમાં નવા મતદારો જોડવાની સાથે ડુપ્લિકેટ અને ખામીયુક્ત મતદારોને હટાવી પણ દેવાયા છે.
૧ ઓગસ્ટે જાહેર મતદાર યાદીમાં ૭ કરોડ, ૨૪ લાખ, ૫ હજાર અને ૭૫૬ મતદારના નામ હતા, જેમાં ૬૫.૬૩ લાખ લોકોનું નામ કપાયું હતું. આ યાદી જાહેર થયા પછી ચૂંટણી પંચે ૩ લાખ લોકોને નોટિસ ફટકારી હતી. આ દરમિયાન ૨.૧૭ લાખ લોકોનું નામ કાઢવાની અરજી આવી હતી, જ્યારે ૧૬.૯૩ લાખ લોકોએ પોતાનું નામ જાેડવા અરજી કરી હતી. ૧ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી ૧૬ લાખ, ૫૬ હજાર, ૮૮૬ લોકોએ ફોર્મ-૬ ભરીને નામ જોડવાની અરજી કરી હતી.
વાંધા અરજીમાં ૩૬,૪૭૫ લોકોએ નામ જોડવપાની અને ૨ લાખ, ૧૭ હજાર અને ૪૯ લોકોએ નામ હટાવવા અરજી કરી હતી. ૧ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર સુધી આવેલી અરજીઓનો હજુ નિકાલ નથી કરાયો. આ કામ ૧ ઓક્ટોબર પછી શરૂ થશે. હવે નામ જોડવા માટે આધાર પણ માન્ય કરી દેવાયો છે.