Last Updated on by Sampurna Samachar
ફિલ્ડ અધિકારીઓ લોકશાહીની કરોડરજ્જુ સમાન
મતદારયાદીમાં સુધારણા કરવા બદલ પ્રોત્સાહન અપાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
SIR ની કામગીરી વચ્ચે ચૂંટણીપંચે BLO કર્મચારીઓને ખુશખબર આપી છે. લોકશાહીના પાયા સમાન મતદારયાદી સુધારાણા કાર્યક્રમમાં જોડાયેલા ફિલ્ડ અધિકારીઓ માટે કેન્દ્રીય ચૂંટણી પંચે એક ઐતિહાસિક ર્નિણય કર્યો છે, જેનાથી BLO સહિતના સ્ટાફના માનદ વેતન અને પ્રોત્સાહન ભથ્થામાં મોટો વધારો કરવામાં આવ્યો છે.

ચૂંટણી પંચે બૂથ લેવલ ઓફિસરનું માનદ વેતન વાર્ષિક ૬,૦૦૦થી વધારીને ૧૨,૦૦૦ કરી દીધું છે. આ વધારો ૨૦૧૫ પછી પહેલી વાર કરવામાં આવ્યો છે. આ સાથે, મતદારયાદીમાં સુધારણા કરવા બદલ BLO ને મળતું પ્રોત્સાહન ભથ્થું પણ ૧,૦૦૦થી વધારીને ૨,૦૦૦ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, BLO સુપરવાઇઝરનું વાર્ષિક માનદ વેતન પણ ૧૨,૦૦૦ થી વધારીને ૧૮,૦૦૦ કરવામાં આવ્યું છે.
લાખો કર્મચારીઓમાં ખુશીનો માહોલ
સૌથી મહત્ત્વપૂર્ણ ર્નિણયમાં, ચૂંટણી પંચે આસિસ્ટન્ટ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર્સ અને ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર્સ માટે પ્રથમ વખત માનદ વેતન મંજૂર કર્યું છે. AERO ને હવે વાર્ષિક ૨૫,૦૦૦ની માનદ રકમ મળશે. ERO ને વાર્ષિક ૩૦,૦૦૦ ની માનદ રકમ મળશે. અત્યાર સુધી ERO અને AERO ને આ કામગીરી માટે કોઈ અલગથી પ્રોત્સાહન કે માનદ રકમ આપવામાં આવતી નહોતી.
ચૂંટણી પંચનું માનવું છે કે આ ફિલ્ડ અધિકારીઓ લોકશાહીની કરોડરજ્જુ સમાન છે અને તેમની મહેનત વિના નિષ્પક્ષ ચૂંટણી શક્ય નથી. આ પગલું ફિલ્ડ સ્તરે કામ કરતા કર્મચારીઓનું મનોબળ વધારવા અને મતદારયાદીની ચોકસાઈ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી ભરવામાં આવ્યું છે. વધારાના લાભ તરીકે, બિહારમાં સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝનની કામગીરીમાં જોડાયેલા BLO ને વધારાના ૬,૦૦૦નું વિશેષ પ્રોત્સાહન પણ મંજૂર કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચના આ ર્નિણયથી લાંબા સમયથી પડતર માંગણી સંતોષાતા મતદારયાદીની કામગીરીમાં જોડાયેલા લાખો કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે.