Last Updated on by Sampurna Samachar
૨૨ ગામોના ખેડૂતોની પાણી નહીં તો વોટ નહીંની કડક ચીમકી
વારંવારની રજૂઆતો છતાં તંત્રની બેદરકારીને કારણે ખેડૂતો આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.એક તરફ સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોમાં ભારે રોષ છે, તો બીજી તરફ ચૂંટણીમાં લોભ-લાલચ આપતા નેતાઓ સામે સામાજિક સંગઠનોએ કડક વલણ અખત્યાર કર્યું છે.

વાવ તાલુકાના વાસરડા ગામે દેવપુરાથી સુઈગામ તરફ જતી નવીન કેનાલના કામ મુદ્દે ૨૨ ગામોના ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષ ૨૦૨૨માં મંજૂર થયેલું કેનાલનું કામ ૨૦૨૬ આવી ગયું હોવા છતાં હજુ પૂર્ણ થયું નથી. ત્રણ-ત્રણ વર્ષથી કેનાલ અધૂરી રહેતા હજારો એકર જમીનમાં સિંચાઈના પાણીના અભાવે પાક નિષ્ફળ જઈ રહ્યો છે. વારંવારની રજૂઆતો છતાં તંત્રની બેદરકારીને કારણે ખેડૂતો આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે.
કલમની સાથે વર્ષોથી કટાર ચલાવતા પણ આવડે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ટાણે જ ખેડૂતોએ મક્કમ નિર્ધાર કર્યો છે. વાસરડા ખાતે એકત્રિત થયેલા હજારો ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે ચીમકી આપી છે કે, “જો ચૂંટણી પહેલા કેનાલનું કામ પૂર્ણ કરી ખેતરો સુધી પાણી પહોંચાડવામાં નહીં આવે, તો આ તમામ ૨૨ ગામોના મતદારો મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરશે.” ખેડૂતોના આ આક્રમક વલણને કારણે રાજકીય પક્ષોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ચૂંટણીના માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર ઠાકોર સમાજના એક યુવા આગેવાનનો વીડિયો વાયરલ થયો છે, જેણે રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચાવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ રાજકીય નેતા કે પક્ષ ઠાકોર સમાજના લોકોને દારૂ, નાણાં કે અન્ય લોભ-લાલચ આપીને છેતરવાનો પ્રયાસ કરશે, તો તેમને ‘લેબડે બાંધીને‘ સબક શીખવાડવામાં આવશે. સમાજે આત્મસન્માનનો પરિચય આપતા જણાવ્યું કે તેમને કલમની સાથે વર્ષોથી કટાર ચલાવતા પણ આવડે છે.
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સમાજ સતર્ક રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આમ, વાવ-થરાદ પંથકમાં આ વખતે ચૂંટણી માત્ર પક્ષો વચ્ચેનો જંગ નહીં, પણ પ્રજાના પાયાના પ્રશ્નો અને આત્મસન્માનની લડાઈ બની ગઈ છે