Last Updated on by Sampurna Samachar
ખોખરામાં થયેલ વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો
છેલ્લા ચારેક વર્ષથી ફ્રુટવાળી ચાલીમાં એકલા રહેતા હતા વૃદ્ધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
બે મહિના પહેલા ખોખરા વિસ્તારમાં થયેલી હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે સચિન ઠાકોર નામના યુવકની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દોઢેક વર્ષ પહેલા વૃદ્ધાના મકાનની બાજુમાં ભાડે રહેતો હતો. જ્યારે જન્મદિવસની ઉજવણી અને મકાનનું ભાડું ભરવા માટે તેને રૂપિયાની જરૂરિયાત હોવાથી તેણે આ હત્યા કરી લૂંટ ચલાવી હતી.

ખોખરા વિસ્તારમાં આવેલ ફ્રુટવાળી ચાલીમાં એક વૃદ્ધાની હત્યાનો મામલો સામે આવ્યો હતો. ૧૧મી સપ્ટેમ્બરની વહેલી સવારે છેલ્લા ચારેક વર્ષથી ફ્રુટવાળી ચાલીમાં એકલા રહેતા વૃદ્ધા ઘનીબેન વાઘેલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઉંમરલાયક હોવાથી વૃદ્ધાનું મૃત્યુ થયું હોઈ શકે તેમ માનીને પરિવાર અંતિમવિધિની તૈયારી કરતો હતો. જોકે આ સમયે વૃદ્ધાના ગળાના ભાગે ઈજાના નિશાન અને તેમની સોનાની બુટ્ટી ગાયબ હોવાનું જોવા મળતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ખોખરા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી
જોકે પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં વૃદ્ધાની હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. આરોપીઓને પકડવા માટે પોલીસને અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી હતી અને પોલીસે સતત બે મહિના સુધી તમામ પાસાઓને લઈને તપાસ કરી હતી.
પરંતુ શાતિર આરોપી સુધી પોલીસ પહોંચી શકી ન હતી. આખરે પોલીસને એક બાતમી મળી હતી અને તેના આધારે પોલીસે શંકાસ્પદ યુવકને ઝડપી સમગ્ર તપાસ કરતા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે સચિન ઠાકોર નામના આરોપીને ઝડપી લીધો છે. જેની પૂછપરછમાં તેણે જ આ વૃદ્ધાની હત્યા કર્યા બાદ સોનાની બુટ્ટીની લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સચિન ઠાકોર દોઢેક વર્ષ પહેલા આ વૃદ્ધાની બાજુની રૂમમાં ભાડે રહેતો હતો. ત્યારે તેની વૃદ્ધાના ઘરે અવરજવર રહેતી હતી અને વૃદ્ધાની પાસે સોનાના દાગીના તેમજ તેના પેન્શનના રૂપિયા હોવાની જાણ પહેલેથી જ તેને હતી. બીજી તરફ હાલ તે જ્યાં રહે છે ત્યાં બે મહિનાનું મકાનનું ભાડું ચૂકવવાનું હતું.
ઉપરાંત તેનો જન્મદિવસ હોવાથી ઉજવણી માટે રૂપિયાની જરૂરિયાત હતી. આરોપી વૃદ્ધા પાસે રૂપિયાની માંગણી કરવા માટે ગયો હતો. પરંતુ તેમને ઘરે સૂતેલા જોઈને આરોપીએ મોઢા પર ઓશીકું દબાવી વૃદ્ધાની હત્યા કર્યા બાદ સોનાની બુટ્ટીની લૂંટ કરીને ફરાર થઈ ગયો હતો. જે બુટ્ટી તેણે પાટણના એક વેપારીને રૂપિયા ૩૭ હજારમાં વેચી દીધી હતી.
આરોપીએ આ રૂપિયામાંથી ૮ હજાર રૂપિયા ભાડું ચૂકવ્યું હતું. જ્યારે તેના જન્મદિવસએ પાટણ નજીક આવેલ માતાજીના મંદિરે દર્શન કરવા ગયો હતો અને નવા કપડા પણ ખરીદ્યા હતા. હત્યા કરવા માટે તે તેના મિત્રની ગાડી લઈને આવ્યો હતો. જેના પણ સીસીટીવી ફૂટેજ પોલીસે કબજે કર્યા છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.