Last Updated on by Sampurna Samachar
પત્નીના આ વૃદ્ધ સાથે હતા બીજા લગ્ન
પોલીસે આરોપી પત્નીની કરી અટકાયત
(સંપૂર્ણ સમાચાર સેવા)
કચ્છના ભુજમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. ભુજ સામત્રા ગામે ૬૦ વર્ષના વૃદ્ધને તેની પત્નીએ જીવતા સળગાવ્યા હતા. દોઢ વર્ષ અગાઉ મહિલા સાથે વૃદ્ધએ બીજા લગ્ન કર્યા હતા. પતિએ રૂપિયા ન આપતા પત્નીએ કેરોસીન છાંટી જીવતો સળગાવી દીધો. દાઝી ગયેલા વૃદ્ધ ધનજી કેરાઈનું સારવાર દરમિયાન મોત થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ૬૦ વર્ષીય ધનજીભાઈ કેરાઈના પહેલી પત્નીનું ચાર વર્ષ પહેલા નિધન થયું હતું. તેમને સંતાનમાં ત્રણ દીકરા છે. દોઢ વર્ષ અગાઉ તેમણે મહેસાણા જિલ્લાના હીરપુરામાં રહેતી ૪૦ વર્ષીય કૈલાશ ચૌહાણ સાથે બીજા લગ્ન કર્યા હતા. બંને લગ્ન બાદ સામત્રા ગામમાં સાથે રહેતા હતા.
ગામ સહિત પરિવારજનોમાં ચકચાર મચી ગઈ
તો બીજી તરફ, કૈલાશ ચૌહાણને પ્રથમ પતિ સાથે લગ્ન જીવન દરમિયાન તેને સંતાન પ્રાપ્તિ ન થઇ હોવાથી તેની સાથે લગ્ન જીવન તોડી નાંખ્યા હતા. જે બાદ મેરેજ બ્યુરો મારફતે સામત્રાના વૃદ્ધ સાથે પરિચય થયો અને લગ્ન કર્યા હતા.
બીજી પત્ની કૈલાશે ધીરે ધીરે પતિ પાસેથી વિવિધ વસ્તુઓના નામે રૂપિયા અને સોનું પડાવવાની શરૂઆત કરી હતી. પહેલી પત્નીના ૧૮ તોલાના સોનાના દાગીના મંગળસુત્ર, પાટલા, કંઠી અને વીંટીઓ પડાવી લઇ પોતાની પાસે રાખી લીધા હતા.વૃદ્ધ પતિ તેની પાસે દાગીના માંગતા ત્યારે આપવાની ના પાડી ઝઘડો કરતી અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી.
આમ, કૈલાશની રૂપિયાની માંગણી ધીરે ધીરે વધી રહી હતી, જેથી ધનજીભાઈ કંટાઈ ગયા હતા. રૂપિયા માટે કૈલાશ પતિ સાથે અવારનવાર ઝગડો કર્યા કરતી હતી. આ વચ્ચે કૈલાશે ભુજમાં એક મકાન લીધું હતું. જેથી તે પતિ પાસેથી સતત રૂપિયાની માંગણી કરી રહી હતી.
બંને વચ્ચે રૂપિયા મુદ્દે તકરાર થઈ હતી. પતિએ રૂપિયા આપવાની ના પાડતા આરોપી પત્ની તેમનો હાથ પકડી ઘરના આંગણામાં આવેલી ગેરેજમાં લઇ ગઈ હતી. તેના બાદ પત્નીએ પતિ પર કેરોસીન છાંટીને આગ ચાંપી હતી. ઘટનાની જાણ થતા જ પરિવાર દોડી આવ્યો હતો. તો આરોપી પત્નીની પોલીસે અટકાયત કરી છે. આ બનાવથી ગામ સહિત પરિવારજનોમાં ચકચાર મચી ગઈ હતી.