Last Updated on by Sampurna Samachar
૧૫ ઉમેદવારો સાથે રૂપિયા ૫૪.૬૯ લાખની છેતરપિંડી
બે સિક્યુરિટી એજન્સીઓના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં કાયમી સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ૧૫ જેટલા શિક્ષિત બેરોજગાર યુવાનો પાસેથી કુલ રૂ. ૫૪.૬૯ લાખની માતબર રકમ ખંખેરી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ભોગ બનનાર સંજય દેવશીભાઈ ગોહેલે માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં મુખ્ય આરોપી સહિત બે સિક્યુરિટી એજન્સીઓના સંચાલકો વિરુદ્ધ નાણાંકીય છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ મુખ્ય આરોપી રાજેન્દ્રકુમાર નટવરસિંહ ગઢવીએ વજ્ર સિક્યુરિટી એન્ડ મેનપાવર સોલ્યુશન અને કેવલા સિક્યુરિટી સર્વિસના સંચાલકો સાથે મળીને આ સમગ્ર ષડયંત્ર રચ્યું હતું.
છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આરોપીની મોડસ ઓપરેન્ડી મુજબ તે ઉમેદવારોને સરકારી નોકરીની ખાતરી આપતો અને વિશ્વાસ કેળવવા માટે ૪ માર્ચ ૨૦૨૫ ના રોજ ગાંધીનગર ખાતે કર્મયોગી ભવનમાં આવેલી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી ખાતે ઇન્ટરવ્યુ માટે બોલાવતો હતો. ત્યાં તે સ્થાનિક અધિકારીઓ સાથે ઓળખાણ કરાવી નોકરી પાક્કી હોવાની ખાતરી આપી ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા પડાવતો હતો.
ફરિયાદી સંજયભાઈ ગોહેલને પણ ફુડ એન્ડ ડ્રગ્સ નિયંત્રણ વિભાગમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે રૂ. ૮૫,૦૦૦ ના માસિક પગારની નોકરી માટે રૂ. ૧૨,૫૦,૦૦૦ ની માંગણી કરવામાં આવી હતી, સંજયભાઇએ ટૂકડે ટૂકડે કુલ રૂ. ૭,૫૦,૦૦૦ ચૂકવ્યા હતા.
આરોપીઓએ ફરિયાદી અને અન્ય મળીને કુલ ૧૫ ઉમેદવારો પાસેથી જુદી જુદી રકમો વસૂલી હતી, જેનો કુલ આંકડો રૂ. ૫૪,૬૯,૦૦૦ પર પહોંચ્યો છે. કેટલાક કિસ્સાઓમાં ઉમેદવારોને છેતરપિંડી ચાલુ રાખવા માટે આઉટસોર્સ બેઝ પર કામચલાઉ નોકરી પણ અપાવવામાં આવી હતી.
જ્યારે લાંબા સમય સુધી કાયમી નોકરી ન મળી અને ઉમેદવારોએ પૈસા પરત લેવા દબાણ કર્યું, ત્યારે સુરત ખાતે કેવલા સિક્યુરિટી સર્વિસની ઓફિસે રજૂઆત કરવામાં આવી હતી. દબાણને વશ થઈ આરોપી રાજેન્દ્રકુમારે થોડા હપ્તામાં કુલ રૂ. ૯,૨૮,૫૦૦ પરત કર્યા હતા.
જોકે, બાકીની માતબર રકમ રૂ. ૪૫,૪૦,૫૦૦ આજ દિન સુધી ચૂકવવામાં આવી નથી અને આરોપીઓ હવે પૈસા પરત કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી રહ્યા છે. ફરિયાદી સંજય ગોહેલની અરજીના આધારે માળિયા હાટીના પોલીસે મુખ્ય આરોપી રાજેન્દ્રકુમાર ગઢવી અને સંડોવાયેલા એજન્સીઓના સંચાલકો છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.