Last Updated on by Sampurna Samachar
ઓનલાઇન સટ્ટાબાજીની જાહેરાતો દેખાડવા બદલ સમન્સ
ઘણાં સેલિબ્રિટીઝ પણ પૈસાની લાલચમાં કરી રહ્યા છે જાહેરાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં ગૂગલ અને મેટાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. ED દ્વારા તેમને ફરી સમન્સ મોકલવામાં આવ્યાં છે. ગૂગલ અને મેટા પર ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ્લિકેશનની એડ્સ ચલાવવા માટે બંને કંપનીઓને ૨૮ જુલાઈએ ED દ્વારા હાજરી આપવા માટે સમન્સ મોકલવામાં આવ્યાં છે. આ પહેલાં ગૂગલ અને મેટાએ કાયદાકીય દસ્તાવેજો ચોક્કસ ન હોવાથી હાજરી આપવા માટે તૈયારી નહોતી દેખાડી અને નવી તારીખની માંગણી કરી હતી. આથી હવે તેમને જરૂરી પેપરની સાથે ૨૮ જુલાઈએ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
ED ને તેમની તપાસમાં જાણવા મળ્યું હતું કે ગૂગલ અને મેટાનો ઉપયોગ ખોટી બ્રાન્ડના પ્રચાર અને ઓનલાઇન સટ્ટાબાજી ચલાવનાર એપ્લિકેશનની એડ્સ માટે કરવામાં આવતો હતો. આ એપ્લિકેશન પ્રતિબંધ હોવા છતાં દેશભરના કરોડો યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. સટ્ટાબાજીની આ એપ્લિકેશન યુવાનોમાં નશાની જેમ કામ કરી રહી છે અને તેમને એની લત લાગી ગઈ છે.
ભારતમાં સટ્ટાબાજીનું બજાર ૧૦૦ અરબ ડોલર સુધી પહોંચ્યુ
ભારતમાં કુલ ૨૨ કરોડ લોકો આ પ્રકારની સટ્ટાબાજીની એપ્લિકેશન સાથે જોડાયેલા છે. એમાંથી ૧૧ કરોડ લોકો રોજના એના પર રમતા જોવા મળે છે. ૨૦૨૫ ના પહેલાં ત્રણ મહિનામાં આ એપ્લિકેશન પર લગભગ ૧.૬ અરબ વાર લોકોએ વિઝિટ કરી હતી. ભારતમાં સટ્ટાબાજીનું બજાર હવે ૧૦૦ અરબ ડોલર સુધી પહોંચી ગયું છે.
દર વર્ષે હવે ૨૭૦૦૦ કરોડ રૂપિયાનો ટેક્સ પણ બચાવવામાં આવે છે. આ કેસમાં ભારતની જુદી-જુદી ઇન્ડસ્ટ્રીની ઘણી સેલિબ્રિટીઝને પણ સમન્સ મોકલવામાં આવ્યાં છે. આ સેલિબ્રિટીઝે પૈસાની લાલચમાં આ એપ્લિકેશનની એડ્સમાં કામ કર્યું છે જે સીધું યુવાનો અને સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે.
કેટલાક એક્સપર્ટનું કહેવું છે કે આ પ્રકારની એપ્લિકેશન માનસિક રોગનું કારણ બની રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા પણ આ પ્રકારની એપ્લિકેશનને માનસિક રોગને નોતરતી કહેવામાં આવી છે. ભારતમાં અત્યાર સુધીમાં આ એપ્લિકેશનની લતનો શિકાર બનેલા હજારો લોકો આત્મહત્યા કરી ચૂક્યા છે.
આત્મહત્યા કરનારામાં વિદ્યાર્થી, ગૃહિણીઓ અને બેરોજગાર યુવાનોનો સમાવેશ થાય છે. તેલંગાનામાં કરવામાં આવેલી એક અરજી અનુસાર ફક્ત આ એક રાજ્યમાં ઓનલાઇન સટ્ટાબાજીને કારણે અત્યાર સુધી ૧૦૨૩ થી વધુ લોકોએ આત્મહત્યા કરી છે.
આ ખૂબ જ ગંભીર વિષય હોવાથી ગૂગલ અને મેટા પર તવાઈ આવી છે. તેમણે હવે કોઈ પણ એપ્લિકેશનની એડ્સ રજૂ કરવા પહેલાં કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. જો તેઓ હવે આવી એડ્સને દેખાડશે તો તેમના વિરુદ્ધ સરકાર દ્વારા સખત પગલાં લેવામાં આવશે.