Last Updated on by Sampurna Samachar
અમદાવાદ , સુરતમાં વિવિધ વ્યક્તિના ઓફિસ – નિવાસસ્થાને દરોડા
મુંબઈમાં ED એ કાયદેસરની કાર્યવાહી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) દ્વારા સાયબર ફ્રોડ મારફત લોકો સાથે રૂ. ૧૦૦ કરોડથી વધુની છેતરપિંડી મામલે ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતાં. ED ની અમદાવાદ ઝોનલ ઓફિસે વહેલી સવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સાયબર ક્રાઈમના આરોપસર અમદાવાદ અને સુરતમાં જુદી જુદી વ્યક્તિઓની ઓફિસ-નિવાસ સ્થાને દરોડા પાડ્યા હતાં. આ સિવાય મહારાષ્ટ્રના મુંબઈમાં પણ ED એ કાયદેસરની કાર્યવાહી કરી હોવાના અહેવાલ છે.
ગુજરાત પોલીસે મકબુલ ડોક્ટર, કાશિફ ડોક્ટર, બસમ ડોક્ટર, મહેશ મફતલાલ દેસાઈ અને માઝ અબ્દુલ રહીમ નડા સહિત અન્ય વિરૂદ્ધ સાયબર ફ્રોડની PMLA ફરિયાદ નોંધી હતી. જેના આધારે ED એ દરોડા પાડ્યા હતાં.
વિદેશમાં રૂ. ૧૦૦ કરોડથી વધુનું ફંડ મોકલ્યું હોવાની આશંકા
અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે, USDT ટ્રેડિંગ, ડિજિટલ અરેસ્ટ, કાયદા અમલીકરણ એજન્સીઓ તરફથી બનાવટી નોટિસ જેવી છેતરપિંડી આચરી લોકો પાસેથી રૂ. ૧૦૦ કરોડથી વધુ પડાવ્યા હોવાનો આરોપ છે. સાયબર ફ્રોડના આરોપીઓએ ડમી KYC ડોક્યુમેન્ટના આધારે બેનેક એકાઉન્ટ ખોલાવ્યા હતાં.
લોકો સાથે છેતરપિંડી કરી આ બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતાં. બાદમાં હવાલા અને આંગડિયા મારફત આ ગેરકાયદે ફંડને ક્રિપ્ટો કરન્સીમાં તબદીલ કરાવ્યું હતું. જેના માટે તેઓએ વિદેશ રૂ. ૧૦૦ કરોડથી વધુનું ફંડ મોકલ્યું હોવાની આશંકા છે.