Last Updated on by Sampurna Samachar
ટીમે અંદાજે ૧૯ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી
પંજાબ, હરિયાણા અને દિલ્હીના ૧૩ સ્થળોએ દરોડા પાડ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ડંકી રૂટ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની આક્રમક કાર્યવાહી ચાલુ છે. ત્યારે ED ની ટીમ એક પછી એક દરોડા પાડતાં મોટી સફળતા મળી છે. તપાસ ટીમે પંજાબ, હરિયાણા અને દિલ્હીના ૧૩ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જ્યાં અંદાજે ૧૯ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

મળતી માહિતી મુજબ દરોડા દરમિયાન ED ની ટીમને દિલ્હીના એક ટ્રાવેલ એજન્ટ પાસેથી ૪.૬૨ કરોડ રૂપિયા રોકડ, ૩૧૩ કિલો ચાંદી અને ૬ કિલો સોનાના બિસ્કિટ મળી આવ્યા છે, જેની કુલ કિંમત આશરે ૧૯.૧૩ કરોડ રૂપિયા થાય છે. આ ઉપરાંત, ED ના હાથે મોબાઈલ ચેટ અને ડિજિટલ પુરાવા પણ લાગ્યા છે, જેમાં ડંકી રૂટના અન્ય સભ્યો સાથે ટિકિટ, રૂટ અને પૈસાના વ્યવહાર અંગેની વાતચીત રેકોર્ડ થયેલી છે.
ડંકી રૂટ દ્વારા લોકોને જોખમી રસ્તા પર લઇ જવાતા
હરિયાણાના એક જાણીતા ખેલાડીના ઠેકાણે પાડવામાં આવેલા દરોડામાં જાણવા મળ્યું છે કે, તે લોકોને મેક્સિકોના રસ્તે અમેરિકા મોકલવા માટે તેમની મિલકતના કાગળો ગીરવે રાખતો હતો, જેથી કોઈ તેની સાથે છેતરપિંડી ન કરી શકે. ED ને અન્ય સ્થળોએથી મોબાઈલ ફોન, દસ્તાવેજો અને ડિજિટલ ડેટા જેવી અનેક વસ્તુઓ મળી આવી છે. ED હાલ આ તમામ વસ્તુઓની ફોરેન્સિક તપાસ કરાવી રહી છે.
ડંકી રૂટ એ લોકોના જીવ જોખમમાં મૂકીને ગેરકાયદેસર રીતે દેશની સરહદ પાર કરાવવાની એક રીત છે. જેમાં દક્ષિણ અમેરિકાના દેશોમાંથી મેક્સિકો થઈને અમેરિકાની સરહદ પાર કરવામાં આવે છે. ED ની આ કાર્યવાહી મની લોન્ડરિંગ કેસમાં ચાલી રહેલી તપાસનો એક ભાગ છે, જે ફેબ્રુઆરી ૨૦૨૫માં અમેરિકાથી ૩૩૦ ભારતીયોના ડિપોર્ટિશન સાથે જોડાયેલી છે. અન્ય સ્થળોએ દરોડા દરમિયાન મોબાઇલ ફોન, દસ્તાવેજો અને અન્ય શંકાસ્પદ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
જપ્ત કરાયેલી તમામ ચીજવસ્તુઓની તપાસ કરાશે, જેમાં આખા નેટવર્કનો ખુલાસો કરવામાં મદદ મળશે. ED એ જપ્ત કરેલ ડિજિટલ ડેટા અને દસ્તાવેજોને ફોરેન્સિક તપાસમાં મોકલી દીધા છે. પંજાબ અને હરિયાણા પોલીસમાં એફઆઇઆર નોંધાયા બાદ આ કાર્યવાહીઓ કરવામાં આવી છે અને આ નેટવર્કમાં ટ્રાવેલ એન્જન્ટ, વચેટીયાઓ અને હવાલા ઓપરેટરો સામેલ છે.
ગેંગ વિદેશ જવાની ઘેલછા રાખનારા લોકોને ડંકી રૂટ દ્વારા જોખમી રસ્તા પરથી અમેરિકા મોકલીને કરોડો રૂપિયા કમાતા હતા. રિપોર્ટ મુજબ, ED ની આ કાર્યવાહી બાદ વધુ ધરપકડ થવાના અને મોટા ખુલાસા થવાની સંભાવના છે.