Last Updated on by Sampurna Samachar
આગામી દિવસોમાં આરોપીઓની પૂછપરછ થશે
બંનેના નામે થયો કરોડોનો ખેલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનની સીમા હૈદર અને તેના પતિ સચિનના નામે એક મોટું કૌભાંડ થયાના સમાચાર સામે આવ્યા છે. આ ફેક ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ મામલે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એક્શનમાં આવી છે. ED એ આ ૬૫૦ કરોડના ફેક ITC કૌભાંડ મામલે દિલ્હી, હરિયાણા, અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ અને તેલંગાણા સહિત અન્ય સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

ED ના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી એવા આરોપીઓ અને કંપનીઓ વિરુદ્ધ છે, જેઓ ફેક કંપનીઓ અને શેલ કંપનીઓ બનાવીને કાગળ પર નકલી કામગીરી કરીને ટેક્સ ચોરી અને મની લોન્ડ્રિંગ જેવા ગેરકાયદેસર કામો કરે છે. આ મામલે ED ની ઈટાનગર સ્થિત ઝોનલ ઓફિસની ટીમે ૧૧ સપ્ટેમ્બરની સવારે ૫ વાગ્યાથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ દરમિયાન ઘણા મહત્વના પુરાવા એકઠા કરવામાં આવ્યા છે, અને આગામી દિવસોમાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે.
ખોટી આઇડીનો ઉપયોગ કરી ITC કૌભાંડને અંજામ આપ્યો
તપાસ એજન્સી ED ના જણાવ્યા મુજબ, લગભગ ૬૫૦ કરોડના ITC કૌભાંડમાં ઘણા હવાલા કારોબારીઓ, બનાવટી કંપનીઓના ડિરેક્ટરો અને આ કૌભાંડને અંજામ આપનારા આરોપીઓ તપાસ એજન્સીની રડાર પર છે. આ લોકોએ અસલમાં કોઈ વેપાર કર્યા વગર જ નકલી બિલો બનાવીને ૬૫૦ કરોડ રૂપિયાનું ટેક્સનું કૌભાંડ આચર્યું છે. ED ને શંકા છે કે આ રકમનો ઉપયોગ હવાલા અને અન્ય ગેરકાયદેસર કામોમાં થયો હોઈ શકે છે.
આ મામલે તપાસમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી છે. વર્ષ ૨૦૨૪માં બિહારના દરભંગા જિલ્લામાં રહેતા બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભાઈઓ, આશુતોષ ઝા અને વિપિન ઝાની અરુણાચલ પ્રદેશ પોલીસે ધરપકડ કરી હતી. તેમના પર ૧૦૦ કરોડના ITC કૌભાંડ (ઈનપુટ ટેક્સ ક્રેડિટ ગોટાળા)નો આરોપ હતો. આ બંને ભાઈઓએ તો પાકિસ્તાની સીમા હૈદર અને તેના ભારતીય પતિ સચિનના નામે પણ કૌભાંડ આચર્યું હતું.
ઈડીના જણાવ્યા મુજબ, અરુણાચલ પ્રદેશના ઈટાનગરમાં રાહુલ જૈનની ‘સિદ્ધિવિનાયક ટ્રેડ મર્ચન્ટ’ નામની કંપની ચાલે છે. આ બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભાઈઓએ સીમા હૈદર અને સચિનના ફોટોનો ઉપયોગ કરીને બનાવટી આઈડી બનાવી અને ITC કૌભાંડને અંજામ આપ્યો. મીડિયા રિપોર્ટ મુજબ, આ બંને ભાઈઓએ સીમા હૈદર અને સચિનના ફોટાવાળી આઈડીથી ૯૯.૨૧ કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો હતો. આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો.