Last Updated on by Sampurna Samachar
જાન-માલના નુકસાનના સમાચાર પ્રાપ્ત નહીં
પોતાના ઘરો અને ઓફિસોની બહાર દોડી આવ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં ફરી એકવાર ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. જે બાદ સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મળતી માહિતી મુજબ બપોરે બરાબર ૧:૨૫ વાગ્યે તાલાલા શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની ધરા ધ્રુજી ઉઠી હતી.

જોકે, આ આંચકો ખૂબ જ હળવો હતો, પરંતુ બપોરના શાંત સમયે અનુભવાયેલી ધ્રુજારીને કારણે અનેક લોકો સાવચેતીના ભાગરૂપે પોતાના ઘરો અને ઓફિસોની બહાર દોડી આવ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે રાહતની વાત છે.
વારંવાર નાના આંચકાઓને કારણે લોકોમાં ભય ફેલાયો
ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૧.૮ નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી માત્ર ૪ કિલોમીટર દૂર જમીનમાં નોંધાયું હતું. તાલાલા પંથક ભૂસ્તરશાસ્ત્રની દ્રષ્ટિએ સંવેદનશીલ હોવાથી અહીં અવારનવાર હળવા આંચકા આવતા રહે છે. તીવ્રતા ઓછી હોવાથી મોટા નુકસાનની સંભાવના નથી, તેમ છતાં વારંવાર આવતા નાના આંચકાઓને કારણે ગીર સોમનાથના આ વિસ્તારમાં રહેતા લોકોમાં એક પ્રકારનો ભય જોવા મળી રહ્યો છે.