Last Updated on by Sampurna Samachar
MP માં ઈ-સ્કૂટર ચાર્જિંગમાં મૂકીને રાત્રે સુઈ ગયેલા પરિવાર માથે અડધી રાત્રે આગ ફાટી
આગમાં ૧૧ વર્ષની બાળકીનું મોત તો ૨ ઈજાગ્રસ્ત થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્યપ્રદેશના રતલામના લક્ષ્મણપુર પીએનટી કોલોની સ્થિત એક મકાનમાં મોટો અકસ્માત થયો છે. જેમાં ચાર્જિંગ માટે મૂકેલા સ્કૂટરમાં આગ લાગી ગઈ હતી. સ્કૂટરની બાજુમાં જે એક્ટિવા પાર્ક કરેલું હતું તે પણ આગની લપેટમાં આવી ગયું હતું. અકસ્માતમાં એક ૧૧ વર્ષની બાળકીનું મોત થઈ ગયું અને અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયાં છે.
મળતી માહિતી મુજબ, મધ્પ્રદેશની પીએનટી કોલોનીમાં રહેતાં ભગવતી મૌર્ય અને તેના પરિવારના લોકો ઈ-સ્કૂટર ચાર્જિંગમાં મૂકીને સુઈ ગયા હતાં. રાત્રે ચાર્જિગ પૂરુ થયાં બાદ તેમાં એકાએક આગ લાગી ગઈ અને તેના કારણે બાજુમાં પડેલી એક્ટિવા પણ આગની લપેટમાં આવી ગઈ.
આગ લાગતા સમયે ઘરમાં તમામ સભ્ય સૂઈ રહ્યા હતાં. ધુમાડો થવાથી બાળકીની ઊંઘ ખુલી તો તેણે મદદ માટે બૂમ પાડી. આસપાસના લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કર્યો અને ફાયર વિભાગને આ વિશે સૂચના આપી. ફાયર વિભાગે ઘરના સભ્યોને સુરક્ષિત બહાર કાઢ્યા, પરંતુ ૧૧ વર્ષની બાળકી અંતરા ચૌધરી અંદર જ રહી ગઈ હતી. થોડીવાર બાદ બાળકીને પણ બહાર કાઢવામાં આવી, પરંતુ ત્યાં સુધી તે એટલું બળી ગઈ હતી કે તેની અંદર જ મોત થઈ ગઈ હતી. અંતરા પોતાની માતા સોનાલીની સાથે પોતાના નાના ભગવતી મૌર્યના ઘરે આવી હતી. તેને સવારે ગુજરાતના વડોદરામાં પરત આવવાનું હતું.