Last Updated on by Sampurna Samachar
બંને નેતાઓ અગાઉ પણ કાર્યભાર સંભાળી ચૂક્યા
મંત્રી જીતુ વાઘાણી સહપ્રવક્તા તરીકે ફરજ બજાવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત રાજ્યના રાજકારણમાં એક મહત્વનો ફેરફાર થયો છે, જેમાં રાજ્યના બે અગ્રણી નેતાઓ હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીને પ્રવક્તા મંત્રી તરીકેની નવી જવાબદારી સોંપવામાં આવી છે. નવી જાહેરાત મુજબ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્ય સરકારના મુખ્ય પ્રવક્તા તરીકેની જવાબદારી સંભાળશે. જ્યારે તેમની સાથે કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહપ્રવક્તા તરીકે ફરજ બજાવશે. આ બંને નેતાઓ અગાઉ પણ પ્રવક્તા મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી ચૂક્યા છે, જે દર્શાવે છે કે સરકારને તેમના અનુભવ પર વિશ્વાસ છે.

અગાઉ આ જવાબદારી મંત્રીઓ ઋષિકેશ પટેલ અને કનુભાઈ દેસાઈ સંભાળી રહ્યા હતા. નવી ફરજ હેઠળ, હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી હવેથી સરકારના મહત્વના ર્નિણયો, નીતિઓ અને વિવિધ યોજનાઓ અંગે નિયમિતપણે મીડિયાને માહિતી આપશે અને સરકારનો પક્ષ રજૂ કરશે. તેઓ સરકાર અને જનતા વચ્ચે સંચારનો સેતુ બનશે.
પાંચ મંત્રીઓએ જમીનસ્તર પર સર્વે કરી રિપોર્ટ તૈયાર કરાયો
આ ફેરફાર વચ્ચે, રાજ્ય સરકારના સૂત્રો તરફથી એક મહત્વની માહિતી મળી છે. તાજેતરમાં થયેલાં માવઠાને કારણે ખેડૂતોને થયેલાં પાક નુકસાન અંગે રાજ્યના પાંચ મંત્રીઓએ જમીનસ્તર પર સર્વે કરીને એક વિગતવાર રિપોર્ટ તૈયાર કર્યો છે. સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે આ સર્વે રિપોર્ટના આધારે ટૂંક સમયમાં જ પાક નુકસાની સહાયની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જેનાથી અસરગ્રસ્ત ખેડૂતોને રાહત મળી શકશે.
 
				 
								