Last Updated on by Sampurna Samachar
બેટ દ્વારકામાં યાત્રિકો માટે અવર જવરનો પ્રતિબંદ લગાવાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેવભૂમિ દ્વારકામાં સતત બીજા દિવસે તંત્રની દબાણ દૂર કરવાની કામગીરી યથાવત રહી હતી. વહેલી સવારથી જ અલગ-અલગ ગેરકાયદેસર જગ્યાઓ પર થયેલાં દબાણને દૂર કરવામાં આવ્યા હતા. જેમાં ૭૬ જેટલાં ગેરકાયદેસર દબાણો દૂર કરી ૬ કરોડ ૫૩ લાખની કિંમતની ૧૨, ૪૦૦ મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી હતી… દબાણ દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન મરીન પોલીસ બોટ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું..
દ્વારકામાં હાથ ધરાયેલા મેગા ડિમોલિશનના કારણે તમામ યાત્રિકો માટે બેટ દ્વારકામાં આવન-જાવન પર પ્રતિબંધ લગાવાયો છે. યાત્રિકોનો દ્વારકામાં પ્રવેશ અટકાવવા માટે બેરિકેટ લગાવવામાં આવ્યા છે. જોકે, મંદિરમાં પૂજા-અર્ચનાનો કાર્યક્રમ રાબેતા મુજબ શરુ છે.
નોંધનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ પણ અનધિકૃત રીતે સરકારી જમીન પર કરેલાં અતિક્રમણ સંદર્ભે જિલ્લા પ્રશાસને જરૂરી સરવે કરી નોટિસ આપવા સહિતની કાયદાકીય કાર્યવાહી કરી હતી. ત્યારબાદ આ અંગેની મુદત પૂર્ણ થયા બાદ દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આપ્ટે તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લા પોલીસ પ્રશાસનને સાથે રાખી પંથકમાં કરાયેલા ગેરકાયદેસર ધાર્મિક, રહેણાંક તેમજ કોમર્શિયલ વિસ્તારની સરકારી જગ્યા પરના દબાણ દૂર કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને આજે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલાં પણ દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ ફરી અનેક જગ્યાએ લોકો દ્વારા દબાણો કરવામાં આવ્યા હતા. તંત્રને આ વિશે જાણ થતાં જ ફરીથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, નવી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી દ્વારકામાં સંપૂર્ણ રીતે ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.