Last Updated on by Sampurna Samachar
દુબઈ દેશ તેના કડક કાયદાના કારણે ચર્ચામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય લોકોમાં દુબઈ જવાનો એક અલગ જ ઉત્સાહ છે. કેટલાક લોકો ફરવા જાય છે અને કેટલાક લોકો કમાવા જાય છે. દુબઈને તેના કડક કાયદા માટે પણ ઓળખવામાં આવે છે અને વિશ્વના સૌથી સુરક્ષિત દેશોમાં તેની ગણતરી થાય છે. ત્યારે ફરી એકવાર દુબઈ દેશ તેના કડક કાયદાના કારણે ચર્ચામાં આવ્યો છે. પાર્કિંગ મામલે ઝઘડો થયા બાદ બે પ્રવાસીઓને દુબઈના કડક કાયદાનો સામનો કરવો પડ્યો, જેમાંથી એકને દેશ છોડીને જવું પડ્યું. આ બનાવ ગત વર્ષે ૮ ફેબ્રુઆરીએ બન્યો હતો.
દુબઈના ટેલકોમ વિસ્તારમાં પાર્કિંગને લઈને બે શખ્સો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જોત-જોતામાં આ બોલાચાલી મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. જે બાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, કોર્ટે પાકિસ્તાની વૃદ્ધને ત્રણ મહિનાની જેલની સજા સંભળાવી છે. સજા પૂરી થયા બાદ તેમને દેશમાંથી બહાર કાઢવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ૭૦ વર્ષીય પાકિસ્તાની વૃદ્ધ અને ૩૪ વર્ષીય ભારતીય યુવક વચ્ચે પાર્કિંગ મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ગુસ્સામાં લાલઘુમ થયેલા પાકિસ્તાની વૃદ્ધે ભારતીય યુવકને જોરથી ધક્કો માર્યો હતો. જેથી ભારતીય યુવક જમીન પર પડી ગયો હતો અને તેના પગમાં ઈજા પહોંચી હતી. જે બાદ ભારતીય યુવકે પાકિસ્તાની વ્યક્તિ પર હુમલો કર્યો હતો. જેમાં પાકિસ્તાની વ્યક્તિને માથામાં ઈજા થઈ હતી.
મેડિકલ રિપોર્ટ અનુસાર, ભારતીય યુવક નીચે પડી જતાં યુવકના ડાબા પગના હાડકાંમાં ફ્રેક્ચર થઈ ગયું હતું, જેના કારણે તેની નસોને નુકસાન થયું અને સ્નાયુઓમાં સોજો આવી ગયો હતો. આ ઈજાને કારણે તેણે તેના પગની ૫૦ ટકા કાર્યક્ષમતા ગુમાવી દીધી હતી, એટલે કે તેના પગમાં અપંગતા આવી ગઈ હતી.
જે બાદ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને પોલીસે બંનેને કસ્ટડીમાં લીધા હતા. કોર્ટમાં બંને પક્ષોના મેડિકલ રિપોર્ટ, ફોરેન્સિક પુરાવા અને સાક્ષીઓના નિવેદનો રજૂ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની વ્યક્તિએ કોર્ટમાં કબૂલ્યું હતું કે, તેણે પહેલા ધક્કો માર્યો હતો, પરંતુ તેણે પોતાને ઉકસાવવાનો આરોપ લગાવ્યો.
દુબઈની ક્રિમિનલ કોર્ટે ૭૦ વર્ષીય પાકિસ્તાની વ્યક્તિને શારીરિક અપરાધ માટે દોષિત ઠેરવ્યો અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી. ત્રણ વર્ષની સજા પૂર્ણ થયા બાદ પાકિસ્તાની વ્યક્તિને દુબઈમાંથી બહાર કાઢવામાં આવશે. ભારતીય યુવક સામેનો કેસ બીજી કોર્ટમાં મોકલવામાં આવ્યો છે, જ્યાં તેની સામે ઓછા ગંભીર આરોપોની સુનાવણી થશે.