Last Updated on by Sampurna Samachar
ભારત અને પાકિસ્તાન સરહદ પાસે ડ્રોન દેખાયું
આસપાસના લોકોમાં ભય સાથે કૂતુહલ સર્જાયુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના જેસલમેર જિલ્લાના રામગઢમાં ભારત અને પાકિસ્તાન સરહદ પાસે એક શંકાસ્પદ ડ્રોન મળી આવ્યું છે. એક ખેતરમાંથી આ ડ્રોન મળી આવ્યું હતું, જ્યારે જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે ડ્રોન જોવા મળ્યું હતું. જેને પગલે સમગ્ર વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા તપાસ શરૂ કરાઇ છે.

રાજસ્થાનના જેસલમેર જિલ્લાના રામગઢ નહરી વિસ્તારમાં ભારત અને પાકિસ્તાન સરહદ પાસે જે ડ્રોન મળી આવ્યું છે તે કોઇ સામાન્ય ડ્રોન નથી, મિનિ વિમાન જેવા લાગતા આ વિશેષ પ્રકારના ડ્રોનનો ઉપયોગ સામાન્ય રીતે જાસૂસી માટે કરાતો હોય છે. ડ્રોને વિમાનની જેમ જ લેન્ડિંગ કર્યું હોય તેવી સ્થિતિમાં ઉતર્યું હોવાથી બહુ નુકસાન નથી થયું. અચાનક જ ખેતરમાં ડ્રોન પડતા આસપાસના લોકોમાં ભયની સાથે કુતુહલ જોવા મળ્યું હતું.
સુરક્ષાદળોએ મોટા પાયે તપાસ અભિયાન શરૂ કર્યું
હાલ આ ડ્રોનને સુરક્ષાદળોએ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ ડ્રોન કઇ દીશામાંથી આવ્યું હતું તેની પણ તપાસ ચાલી રહી છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરના સાંબા વિસ્તારમાં પાકિસ્તાન સરહદ પાસે એક ડ્રોન દેખાયું હતું. આ ડ્રોન પાકિસ્તાન તરફથી ચાક ભુરા પોસ્ટ ઉપરથી પસાર થઇને ભારતની સરહદમાં પ્રવેશ્યું હતું.
જોકે થોડા સમયમાં જ તે પરત પાકિસ્તાન સરહદ તરફ જતુ રહ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સુરક્ષાદળોએ મોટા પાયે તપાસ અભિયાન શરૂ કર્યું હતું. ડ્રોનથી હથિયારો કે ડ્રગ્સ ફેકવામાં આવ્યા હતા કે કેમ તેની શંકા જતા હાલ સમગ્ર વિસ્તારમાં તપાસ કરાઇ રહી છે.