Last Updated on by Sampurna Samachar
બેંગકોકથી લાવવામાં આવેલો ૨ કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો
શંકાસ્પદ મુસાફરોના સામાનની સઘન તપાસ કરવામાં આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડ્રગ્સની હેરાફેરીનો વધુ એક મોટો કિસ્સોપ્રકાશમાં આવ્યો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ અને એર ઈન્ટેલિજન્સ યુનિટ એ સંયુક્ત કાર્યવાહી કરીને બેંગકોકથી અમદાવાદ આવેલા બે શખસો પાસેથી કરોડો રૂપિયાની કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કર્યો છે.

મળતી માહિતી અનુસાર, એરપોર્ટ સુરક્ષા એજન્સીઓને અગાઉથી જ નશીલા પદાર્થની હેરફેર અંગે બાતમીમળી હતી. આ બાતમીના આધારે વિયેટ જેટ એરલાઇન્સની ફ્લાઇટ દ્વારા બેંગકોકના ડોન મુઆંગ એરપોર્ટથી અમદાવાદ ઉતરેલા બે શખસો પર વોચ રાખવામાં આવી હતી. મુસાફરો એરપોર્ટ પર ઉતરતા જ તપાસસંસ્થાઓએ તેમની અટકાયત કરી હતી.
ઉચ્ચ ગુણવત્તાનો હાઈબ્રિડ ગાંજો
શંકાસ્પદ મુસાફરોના સામાનની સઘન તપાસ કરવામાં આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ટ્રોલીબેગની અંદરથી ૮ જેટલા વેક્યૂમ–સીલ કરેલા પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આપેકેટ્સમાંથી લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. FSL ટેસ્ટ બાદ પુષ્ટિ થઈ હતી કે આ ઉચ્ચ ગુણવત્તાનો હાઈબ્રિડ ગાંજો છે. ૨.૨૫ કિલો હાઈબ્રિડ ગાંજોની કિંમત ૨ કરોડ રૂપિયાથી વધુ છે.
કસ્ટમ વિભાગે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા બંને શખસો મૂળ મધ્યપ્રદેશના જબલપુરના રહેવાસી છે. હાલ આ ડ્રગ્સ નેટવર્ક પાછળ કોણ છે અને અમદાવાદમાં આ જથ્થો કોનેપહોંચાડવાનો હતો, તે દિશામાં હાલ પૂછપરછ અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.