Last Updated on by Sampurna Samachar
અમે અમેરિકન સરકાર સમક્ષ આવો મુદ્દો ઉઠાવતા રહીશુ તેમ રણધીર જયસ્વાલે કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ કાર્યક્રમમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરવંતસિંહ પન્નુ જોવા મળતા ભારતે અમેરિકા સમક્ષ વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘જ્યારે પણ ભારત વિરોધી ગતિવિધિ થાય છે, તો અમે અમેરિકન સરકાર સમક્ષ આવો મુદ્દો ઉઠાવીએ છીએ અને અમે હંમેશા આવા મુદ્દાઓ ઉઠાવતા રહીશું.
વિદેશ મંત્રાલયા પ્રવક્તાએ કહ્યું કે, ‘ટ્રમ્પના કાર્યક્રમમાં ભારત વિરોધી ખાલિસ્તાની આતંકી ગુરવંતસિંહ પન્નુ દેખાતા ભારતે વાંધો ઉઠાવ્યો છે અને આ મુદ્દો અમેરિકા સમક્ષ ઉઠાવવામાં આવશે. આપણા દેશની રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓને ભારત હંમેશા અમેરિકા સમક્ષ ઉઠાવતો રહેશે.’
આમ ટ્રમ્પના કાર્યક્રમમાં પન્નુ કથિત રીતે દેખાયા બાદ જયસ્વાલે આ પ્રતિક્રિયા આપી છે. જયસ્વાલે વધુમાં કહ્યું કે, ‘જ્યારે પણ ભારત વિરોધી ગતિવિધિઓ ચલાવાતી હોય છે, આપણી રાષ્ટ્રીય સુરક્ષા પર અસર પાડતી બાબતો સામે આવતી હોય છે કે પછી જેઓ ભારત વિરોધી એજન્ડો ચલાવતા હોય છે, તેવા તમામ મુદ્દાઓને ભારત અમેરિકન સરકાર સમક્ષ ઉઠાવે છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ૨૦ જાન્યુઆરીએ શપથગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં ખાલિસ્તાની આતંકવાદી પન્નુ આવ્યો હોવાના વીડિયો વાયરલ થયા છે. પન્નુ કેનેડા અને અમેરિકાની બેવડી નાગરિકતા ધરાવે છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે, પન્નુને કાર્યક્રમમાં આવવા આમંત્રણ અપાયું ન હતું, તે કોઈના સંપર્કથી ટિકિટ ખરીદીને કાર્યક્રમમાં સામેલ થયો હતો.
વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, શપથગ્રહણ કાર્યક્રમમાં સામેલ થયેલા લોકો નારા લગાવી રહ્યા છે, જ્યારે પન્નુ ખાલિસ્તાનના સમર્થનમાં નારો લગાવતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સ્ટેજ પર ટ્રમ્પ અને ફર્સ્ડ લેડી મેલાનિયાની ઝૂમ ફુટેજ જોવા મળી રહી છે, પછી તેમાં યુએસએ, યુએસએસના નારા લગાવતી ભીડ જાેવા મળી રહી છે. ત્યારબાદ કેમેરો આગળ વધે છે, ત્યારે ભીડની વચ્ચે પન્નુ દેખાઈ રહ્યો છે અને તે ‘ખાલિસ્તાન જિંદાબાદ’ બોલતો જોવા મળી રહ્યો છે.