Last Updated on by Sampurna Samachar
હવે અરજદારોને ટેક્નિકલ કુશળતા પણ જરૂરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી સત્તામાં આવ્યા બાદ અનેક નિયમો બદલવાનું શરૂ કરી દીધું છે. જેમાં અમેરિકાએ H-1B વિઝાના નિયમોમાં મોટા ફેરબદલ કર્યા છે. ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા નવા નિયમ હેઠળ H-1B વિઝા માટે માત્ર ટેકનિકલ ડિગ્રી પૂરતી રહેશે નહીં, પરંતુ કુશળતાને ધ્યાને લેવામાં આવશે. એટલે કે, ઉમેદવાર અરજીમાં તેની બધી લાયકાતોનો ઉલ્લેખ કરી શકે છે, પરંતુ તેમાંથી એક લાયકાત સીધી રીતે તેના કાર્ય સાથે સંબંધિત હોવી જોઈએ.

અમેરિકા દર વર્ષે ટેક્નિકલ કર્મચારીઓ માટે આશરે ૬૫ હજાર H-1B વિઝા જાહેર કરે છે. આ હેઠળ ભારત સહિતના અન્ય દેશના લોકો કામ માટે અમેરિકા જાય છે. અત્યારસુધીમાં H-1B વિઝા માટે ગ્રેજ્યુએશનની ડિગ્રી માન્ય ન હતી. પરંતુ હવે તેમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે.
ઉદાહરણ તરીકે, પહેલા જો તમારી પાસે કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી હોય, તો તમને તેનાથી સંબંધિત કોઈપણ નોકરી માટે H-1B વિઝા માટે લાયક ગણવામાં આવતા હતા, પરંતુ હવે અરજદારોને તેમની ટેક્નિકલ કુશળતા વિશે પણ પૂછવામાં આવશે.
આ એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે સામાન્ય રીતે અમેરિકામાં કામ કરવા જતા લોકોને આપવામાં આવે છે. જેમની પાસે H-1B વિઝા છે તેઓ તેમની પત્ની અને બાળકોને પણ પોતાની સાથે રાખી શકે છે. જો કોઈનો H-1B વિઝા સમાપ્ત થાય છે, તો તે અમેરિકન નાગરિકતા માટે અરજી કરી શકે છે. જોકે તેનો સમયગાળો ત્રણ વર્ષનો છે, તેને ૬ વર્ષ સુધી વધારી શકાય છે.
તાજેતરમાં અમેરિકા દ્વારા H-1B વિઝા અંગે જાહેર કરાયેલા ડેટામાં જાણવા મળ્યું હતું કે, બહાર પાડવામાં આવેલા કુલ H-1B વિઝામાંથી ૨૦ ટકા ભારતીય મૂળની ટેકનિકલ કંપનીઓ દ્વારા મેળવવામાં આવ્યા હતા. જ્યારે યુએસ નાગરિકતા અને ઇમિગ્રેશન વિભાગના ડેટા અનુસાર એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૨૪ના સમયગાળા દરમિયાન યુએસએ કુલ ૧.૩ લાખ H-1B વિઝા જાહેર કર્યા હતા, જેમાંથી ૨૪,૭૬૬ વિઝા ભારતીય મૂળની કંપનીઓને આપવામાં આવ્યા હતા.