Last Updated on by Sampurna Samachar
સાઉદી અરબ અને ઓપેકને કાચા તેલની કિંમતો ઘટાડવા માટે કહેશે ટ્રમ્પ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત માટે હાલ કાચા તેલની કિંમતો માથાના દુખાવા સમાન બની છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે મોટી જાહેરાત કરી દીધી છે. તેમણે જણાવ્યું કે, તેમના બીજા કાર્યકાળની સાથે અમેરિકાનો સ્વર્ણિમ યુગ શરૂ થઇ ગયો છે અને જલદી જ સમગ્ર દુનિયા વધુ શાંતિપૂર્ણ અને સમૃદ્ધ બનશે. તેઓ સાઉદી અરબ અને ઓપેક (તેલ નિકાસ કરતા દેશોનું સંગઠન) ને કાચા તેલની કિંમતો ઘટાડવા માટે કહેશે. જો કાચા તેલની કિંમતો ઘટે છે, તો ભારત માટે આ રાહતના સમાચાર હશે, કારણ કે ભારતના આયાત બિલમાં સૌથી વધુ હિસ્સો ક્રૂડનો રહે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા WEF ની વાર્ષિક બેઠકને સંબોધી હતી. તેમણે જણાવ્યું કે, ‘જો કાચા તેલની કિંમતો ઘટે છે, તો રશિયા-યૂક્રેન યુદ્ધ સમાપ્ત થઇ જશે.’ ટ્રમ્પે હાલમાં જ પોતે કરેલા ર્નિણયોનો બચાવ કરતા કહ્યું કે તેમના પ્રશાસનના ચાર દિવસમાં તે પ્રાપ્ત કરી લીધું છે, જે અન્ય સરકાર ચાર વર્ષમાં પણ મેળવી શકી નથી. રાષ્ટ્રપતિ તરીકે તેમણે ૨૦ જાન્યુઆરીના રોજ શપથ લીધા હતા અને આ જ દિવસથી પાંચ દિવસીય WEF ની વાર્ષિક બેઠક પણ શરૂ થઇ હતી.
ટ્રમ્પે કહ્યું, ‘અમેરિકાનો સ્વર્ણિમ યુગ શરૂ થઈ ગયો છે, આપણો દેશ જલદી જ પહેલા કરતાં વધુ મજબૂત, વધુ સંયુક્ત અને વધુ સમૃદ્ધ બનશે. જેથી સમગ્ર દુનિયા વધુ શાંતિપૂર્ણ અને સમૃદ્ધ દેખાશે. આગામી સમયમાં લેવામાં આવનારા પગલાંની જાહેરાત કરવાની પહેલ અમે પહેલાથી જ કરી દીધી છે.
અમારો બીજો કાર્યકાળ અમેરિકન ઇતિહાસમાં યાદગાર રહેશે, કારણ કે અમારી સૌથી મોટી પ્રાથમિકતા આપણા દેશને ફરી એકવાર વિશ્વનું નેતૃત્વ કરવા માટે તૈયાર કરવાની રહેશે.’ ફરી શરૂ થયેલા ટ્રમ્પના પ્રશાસન બાદ ભારતને પણ આશા છે કે તેને અમેરિકા પાસેથી વધુ ઓઇલ મળશે. તાજેતરમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે રશિયા પાસેથી તેલ ખરીદી ધીમે ધીમે ઘટી રહી છે અને અમે અમેરિકા પાસેથી તેલ ખરીદીને તેની ભરપાઈ કરીશું. હાલ વિશ્વના ૨૯ દેશો ભારતને ક્રૂડ ઓઇલ સપ્લાય કરવા માટે તૈયાર છે.
એક સમયે ક્રૂડ ઓઇલની કિંમત ૭૦ ડોલરની નીચે થઇ ગઈ હતી, પરંતુ અમેરિકા દ્વારા રશિયા પર ફરીથી પ્રતિબંધો લાદવામાં આવ્યા પછી, તેના ભાવ ફરી એકવાર ૮૦ ડોલરની આસપાસ થવા લાગ્યા છે. આવી સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન કે તેઓ OPEC દેશોને ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડવા કહેશે તે ખૂબ જ રાહતભર્યા સમાચાર છે. ભારત હાલમાં તેની જરૂરિયાતના ૮૫ ટકા ક્રૂડ ઓઇલ વિદેશથી આયાત કરે છે, જેનો વાર્ષિક ખર્ચ લગભગ ૯ લાખ કરોડ રૂપિયા થાય છે.