Last Updated on by Sampurna Samachar
આ ઘટના દેશની શાખ પર ધબ્બા સમાન
ભાજપ નેતાએ ઉઠાવ્યા સવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં આયોજિત વર્લ્ડ પેરા એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં સુરક્ષા વ્યવસ્થા મામલે મોટી ખામી સર્જાઈ છે. દિલ્હીના જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમ પરિસરમાં બે વિદેશી કોચ પર રખડતાં શ્વાનોએ હુમલો કરી દીધો હતો. આ હડકાયેલા શ્વાને ચાર સુરક્ષાકર્મીને બચકાં ભર્યા હતાં. તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ નગર નિગમ સફાળુ જાગ્યું છે. તેણે શહેરમાં રખડતાં શ્વાનોને પકડવાની કામગીરી હાથ ધરી છે. ભાજપના એક નેતાએ આ ડૉગ અટેકની ઘટનાનો વિરોધ કર્યો હતો.ભાજપ નેતા વિજય ગોયલે જણાવ્યું હતું કે, આ ઘટના દેશની શાખ પર ધબ્બા સમાન છે.
ટ્રેનિંગ સેશન દરમિયાન શ્વાને અચાનક હુમલો કર્યો
શું સુપ્રીમ કોર્ટના જજે શ્વાનને રસ્તા પર ખુલ્લા મુકવાનો આદેશ આપ્યો હતો. હવે કોણ જવાબદારી લેશે? દેશ બદનામ થઈ રહ્યો છે. જવાબદાર કોણ? દિલ્હીના જેએલએન સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય પેરા એથલેટિક્સ દરમિયાન જાપાન અને કેન્યાના કોચને રખડતાં શ્વાને કરડી લીધું છે.
પહેલી ઘટનામાં કેન્યાના કોચ ડેનિસ મરાગિયા પર સ્ટેડિયમના એરિના નજીક શ્વાને હુમલો કર્યો હતો. તેમના પગ પર ઊંડો ઘા થયો હતો. થોડીવાર બાદ જાપાનના કોચ મેઈકો ઓકુમાત્સુને પણ વોર્મ-અપ ટ્રેક નજીક ટ્રેનિંગ સેશન દરમિયાન શ્વાને અચાનક હુમલો કર્યો હતો. બંને કોચને તાત્કાલિક ધોરણે સ્ટેડિયમના મેડિકલ રૂમમાં પ્રાથમિક ઉપચાર આપવામાં આવ્યો હતો, ત્યારબાદ સફદરજંગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. હાલ બંનેની સ્થિતિ સ્થિર છે.
ઘટના બાદ દિલ્હી સરકારના રમતગમત મંત્રાલય અને નગર નિગમે સંયુક્ત કામગીરી હાથ ધરી છે. એનડીએમસી અને એમસીડીની ટીમ સ્ટેડિયમ પરિસર અને આસપાસના વિસ્તારોમાં રખડતાં શ્વાનને પકડવાનું અભિયાન હાથ ધરાયું છે. ઘટના બાદ તંત્રે સ્ટેડિયમ પરિસરમાં ચાર સ્થાયી ડોગ-કેચિંગ ટીમ, રેપિડ રિસ્પોન્સ યુનિટ અને વાહન તૈનાત કરવામાં આવ્યા છે.
ઓર્ગેનાઈઝર કમિટીના સભ્ય અર્ણવ ઘોષે જણાવ્યું હતું કે, એક કેન્યાઈ ખેલાડીને શ્વાન કરડ્યા બાદ ગત મોડી રાત્રે એક સ્પેશિયલ સ્ક્વૉડ તૈનાત કરવામાં આવી છે. જે સ્ટેડિયમમાં રખડતાં શ્વાનને પકડવાની કામગીરી કરી રહી છે. ભારત પ્રથમ વખત વર્લ્ડ પેરા એથલેટિક્સ ચેમ્પિયનશીપની મેજબાની કરી રહ્યું છે. આ ઘટનાએ ભારતની તૈયારીઓ અને ખેલાડીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
સુપ્રીમ કોર્ટે ૧૧ ઓગસ્ટના રોજ દિલ્હી-એનસીઆરમાંથી તમામ રખડતાં શ્વાનને અસ્થાયી રૂપે શેલ્ટર હોમમાં મૂકવાનો નિર્દેશ આપ્યો હતો. જાે કે, તેનો મોટાપાયે વિરોધ થતાં ૨૨ ઓગસ્ટના રોજ આદેશમાં સુધારો કરવામાં આવ્યો હતો કે, ખસીકરણ અને રસીકરણ બાદ શ્વાનને તેમના મૂળ સ્થળે પરત છોડવામાં આવશે. રેબિઝનું સંક્રમણ અને આક્રમક સ્વભાવ ધરાવતા શ્વાન પર આ નિયમ લાગુ થશે નહીં.