Last Updated on by Sampurna Samachar
ઈમરજન્સી વોર્ડમાં પીડાથી કણસતા દર્દીના મોતનો કિસ્સો
કોઇ મેડિકલ સ્ટાફે પણ ન કરી મદદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના મેરઠમાં ડૉક્ટરની બેદરકારીના કારણે એક દર્દીનું કરૂણ મોત થયાનો કિસ્સો બહાર આવ્યો છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દી ઈમરજન્સી વોર્ડમાં પીડાથી કણસતો રહ્યો અને ડૉક્ટર AC સામે ટેબલ પર પગ ફેલાવીને સૂતો રહ્યો. પરિવારજનો અપીલ કરતા રહ્યા, પરંતુ મેડિકલ સ્ટાફે ધ્યાન આપ્યું નહીં. ઈજાગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ વધુ પડતું લોહી વહી જવાના કારણે થયું હતું.

ઘટનાની વિગતવાર વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મેરઠમાં લાલા લાજપત રાય મેમોરિયલ મેડિકલ કોલેજના પીડિત પરિવારના જણાવ્યાનુસાર, રાત્રે એક અજાણ્યા વાહને ૩૦ વર્ષીય સુનીલ કુમારની બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો હતો. તેની ગંભીર હાલત જોઈને પરિવારે મેડિકલ સ્ટાફને સારવાર માટે અપીલ કરી હતી.
પરિવારજનોએ ડોક્ટરને જગાડવાનો પ્રયાસ કર્યો
આ દરમિયાન હોસ્પિટલમાં ફરજ પર હાજર એક ડૉક્ટર સૂઈ રહ્યો હતો. પરિવારજનો ડૉક્ટરના જાગવાની લાંબા સમય સુધી રાહ જોતા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમા પીડિત પરિવાર ડૉક્ટરને જગાડવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. પરિવારજનનો આરોપ છે કે, આ દરમિયાન અન્ય મેડિકલ સ્ટાફે પણ મદદ કરી ન હતી. સ્ટ્રેચર પર પડેલા અને લોહીથી લથબથ સુનીલને મરવા માટે છોડી દેવામાં આવ્યો હતો.
જોકે, અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયલા સનિલનું મૃત્યુ શરીરમાંથી વધુ પડતું લોહી વહી જવાના કારણે થયું હતું. આ ઘટના બાદ જુનિયર રેસિડેન્ટને સસ્પેન્ડ કરાયો છે. LLRM ના પ્રિન્સિપાલ ડૉ આર. સી ગુપ્તાએ જણાવ્યું હતું કે, વીડિયોની નોંધ લેતા,હોસ્પિટલ પર હાજર જુનિયર સર્જન ડૉક્ટર ભૂપેશ કરમાર રાયને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને પરિવારના આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરાઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૩માં લાલા લાજપત રાય મેમોરિયલ મેડિકલ કોલેજના ત્રણ ડોક્ટરોને સસ્પેન્ડ કરાયા હતા. આ ડૉક્ટરો સામે દર્દીને માર મારવા બદલ ફરિયાદ નોંધાઈ હતી.