વર્તમાન મુખ્યમંત્રીને હટાવવા ભાજપ નેતાએ કર્યું એલાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
તમિલનાડુમાં અન્ના યુનિવર્સિટીની એક વિદ્યાર્થિની સાથે થયેલાં કથિત યૌન ઉત્પીડનનો મામલો ગરમાઈ રહ્યો છે. આ ઘટનાએ રાજ્યની રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે. ભાજપ અને અન્નાદ્રમુકે (AIADMK) આ મુદ્દે ૨૬ ડિસેમ્બરે વિરોધ પ્રદર્શન કર્યું હતું.. ભાજપે આરોપ લગાવ્યો કે, આરોપી દ્રવિડ મુનેત્ર કષગમ દ્રમુકનો પદાધિકારી છે. જોકે, સત્તાધારી પાર્ટી દ્રમુકે (DMK) આ આરોપોને નકારી દીધા છે.
ભાજપની તમિલનાડુ એકમના પ્રમુખ કે. અન્નામલાઈના આરોપીની દ્રમુક નેતાઓ સાથે તસવીરો જોતા આરોપ લગાવવામાં આવ્યો કે, આરોપી સત્તાધારી પાર્ટીની વિદ્યાર્થી શાખાનો પદાધિકારી છે. તેઓએ દાવો કર્યો કે, આરોપીએ પાર્ટી સાથે જોડાયેલા હોવાના કારણે ગુનાને અંજામ આપ્યો અને પોલીસે તેના પર કાર્યવાહી નથી કરી. વિરોધ પ્રદર્શન વધુ પ્રભાવી બનાવવા માટે અન્નામલાઈએ એલાન કર્યું કે, તે પોતાના આવાસની બહાર પોતાને છ વાર ચાબુક મારશે. તેઓએ કહ્યું કે, જ્યાં સુધી DMK સરકાર સત્તામાં છે તે ચંપલ નહીં પહેરે અને ખુલ્લા પગે જ રહેશે. ત્યારબાદ ભાજપ તમિલનાડુ અધ્યક્ષ કે. અન્નામલાઈએ ૨૭ ડિસેમ્બર કોયંબટૂરમાં પોતાના આવાસની બહાર પોતાને ચાબુક મારીને પોલીસ અને રાજ્ય સરકારની ઉદાસીનતાનો વિરોધ કર્યો હતો.
આ મામલે વિરોધ કરી રહેલાં અન્નાદ્રમુકે સીનિયર નેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે. ભાજપના સીનિયર નેતા અને પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને પણ પોલીસની કાર્યવાહીની નિંદા કરતા કહ્યું કે, યૌન અપરાધ વધી રહ્યા છે અને સરકાર તેમજ પોલીસ નિષ્ક્રિય બની ગઈ છે. સુંદરરાજને ભાર દઈને કહ્યું કે, તેઓને વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છે અને સરકારને આ મામલે કડક પગલાં લેવા જોઈએ.
આ મુદ્દો ફક્ત કાયદો અને વ્યવસ્થાનો જ નહીં, પરંતુ રાજકીય રૂપે પણ સંવેદનશીલ થઈ ગયો છે. ભાજપે તેને દ્રમુક સરકારની સામે મોટા વિરોધનો આધાર બનાવ્યો છે. વળી, દ્રમુકે ભાજપના આરોપોને ખોટા જણાવતા કહ્યું કે, વિપક્ષ તેને રાજકીય લાભ માટે ઉછાળી રહ્યો છે. તમિલનાડુમાં આ મામલે રાજકીય તાપમાન ગરમાયું છે.