Last Updated on by Sampurna Samachar
વડાપ્રધાને સુરક્ષા દળોને ઓપરેશનની પોતે કમાન સંભાળવા કહ્યું
અગાઉ આર્મી ચીફ જનરલ સાથે પણ યોજાઇ હતી બેઠક
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થઇ હતી. બેઠકના થોડા સમય બાદ વાયુસેનાના પ્રમુખ PM નિવાસસ્થાનથી રવાના થઈ ગયા હતા. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત બાબતોની પૃષ્ઠભૂમિમાં આ બેઠક ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ પહેલા નૌકાદળના પ્રમુખ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ પણ વડાપ્રધાનને તેમના લોક કલ્યાણ માર્ગ પર આવેલા નિવાસસ્થાને મળ્યા હતા. નૌકાદળના વડાએ PM મોદી સાથે એક કલાક લાંબી બેઠક કરી હતી. જેમાં તેમણે નૌકાદળની વર્તમાન તૈયારીઓ અને તેમની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી.
ભારતની સંભવિત કાર્યવાહીની રુપરેખા તૈયાર કરાઇ
પહલગામ આતંકવાદી હુમલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સામે સંભવિત લશ્કરી કાર્યવાહીની કમાન સંભાળી લીધી છે. તેઓ ત્રણેય સશસ્ત્ર દળોના પ્રમુખો સાથે અલગ- અલગ બેઠક કરી રહ્યા છે. જેથી પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ સામે ભારતની સંભવિત કાર્યવાહીની રુપરેખા તૈયાર કરી શકાય.
પહેલીવાર ૨૬ એપ્રિલના રોજ વડાપ્રધાન મોદીએ સરંક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના વડાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી. આ બેઠક લગભગ દોઢ કલાક ચાલી હતી, જેમાં PM મોદીએ તમામ દળોને પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી દીધી છે.
પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહીની સંભાવના વચ્ચે ૩૦ એપ્રિલના રોજ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ PM મોદીને તેમના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર બેઠક કરી હતી. આ સમય દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને અજિત ડોભાલ પણ હાજર હતા.
સરકારે સશસ્ત્ર દળોને સંપૂર્ણ ‘ઓપરેશનલ ફ્રીડમ‘ આપી છે. જેથી તેઓ વળતો પ્રહાર કરવાની પદ્ધતિ, સમય અને લક્ષ્ય સ્વયં નક્કી કરી શકે. સરકારનો કઠોર ઈરાદો અને વિપક્ષનો ટેકો દર્શાવે છે કે, આવનારા દિવસોમાં આતંકવાદી ઘટનાઓ સામે ભારતનો પ્રતિભાવ નિર્ણાયક બની શકે છે.