Last Updated on by Sampurna Samachar
ચાર મોતના પગલે વન વિભાગ થયુ દોડતુ
સિંહોને બચાવવા માટે વિશેષ પ્રયાસો શરૂ થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતની ઓળખ સમા ગીરના સિંહના ઉપરાછાપરી મોતથી વનવિભાગ દોડતું થયું છે. પહેલા ત્રણ સિંહ બાળના મોત થયા છે બાદ વધુ એક સિંહણનું મોત થયું છે. આ કુલ ૪ મોતથી વન વિભાગ સફાળું જાગ્યું છે. ગાંધીનગરથી PCCF , જૂનાગઢ CF રામ રતનનાલા અમરેલી પહોંચ્યા છે અને સિંહોને બચાવવા માટે વિશેષ પ્રયાસો શરૂ થયા છે. હાલ એનિમિયા અને નિમોનિયા મુખ્ય કારણ હોવાનો વન વિભાગનો દાવો કર્યો છે.ગીર પૂર્વ, શેત્રુંજી ડિવિઝનમાં કેટલા સિંહોના મોત થયા અને કેવી રીતે તેને લઈને તપાસ થઇ રહી છે.
અમરેલીમાં સિંહોના મોતના મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે. બે દિવસ પહેલાં રાજુલા-જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકીએ વનમંત્રી મુળુ બેરાને પત્ર લખી આ બાબતે યોગ્ય તપાસ થાય એવી રજૂઆત કરી હતી. બીજી તરફ સ્થાનિકોમાં પણ રોષ ફેલાયો છે. આ સમગ્ર બાબતને ધ્યાનમાં લઈ ગાંધીનગરથી પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF) જયપાલ સિંહ અને જૂનાગઢના ચીફ ફોરેસ્ટર (CF) રામ રતન નાલા સહિત અન્ય અધિકારીઓ પ્રથમ જાફરાબાદ રેન્જ અને ત્યારબાદ રાજુલાના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટર પહોંચ્યા છે.
એનિમિયા અને નિમોનિયા મુખ્ય કારણ હોવાની ચર્ચા
સિંહબાળના મોતના વિવાદ વચ્ચે વધુ એક સિંહણના મોતના સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરના PCCF જયપાલ સિંહે જણાવ્યું કે,. આજે એક સિંહણનું મોત થયું છે, જોકે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મોત કુદરતી રીતે થયું છે. હાલમાં સિંહોના જુદી જુદી રીતે કેટલાક મોત અલગ અલગ વિસ્તારમાં થયા છે. તેમજ એનિમલકેર સેન્ટર ખાતે સારવાર લઈ રહેલા સિંહબાળ અને સિંહો અંગે પણ તપાસ ચાલું છે. પ્રાથમિક રિપોર્ટ અનુસાર, એનિમિયા અને નિમોનિયા મુખ્ય કારણ હોવાનું જણાવવામાં આવ્યું છે.