Last Updated on by Sampurna Samachar
જાડેજાનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક ગાયબ થઈ ગયું
કેપ્ટન સંજુ સેમસન માટે જાડેજા અને સેમ કુરનને ટ્રેડ કરી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે મીની ઓક્શન ૧૫ ડિસેમ્બરે થવાની ધારણા છે. ઓક્શન પહેલા બધી ટીમોએ ૧૫ નવેમ્બર સુધીમાં તેમની રીટેન્શન યાદીઓ સબમિટ કરવાની રહેશે. આ વચ્ચે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને લઈને ચર્ચા વધી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ IPL ૨૦૨૬ પહેલા રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન માટે જાડેજા અને સેમ કુરનને ટ્રેડ કરી શકે છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સંભવિત ટ્રેડ કરારની ચર્ચા ચાલુ છે. દરમિયાન રવિન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક ગાયબ થઈ ગયું, જેના કારણે સોશિયલ મીડિયા પર અટકળો શરૂ થઈ ગઈ. જાડેજાનું સત્તાવાર યુઝરનેમ, ‘’royalnavghan ‘, હવે ઇન્સ્ટાગ્રામ પર દેખાતું નથી.
રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધીમાં ૨૫૪ IPL મેચ રમી
રવિન્દ્ર જાડેજાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરની પ્રોફાઇલ લિંક પણ બ્રોકન દેખાય છે. જાે કે, તે સ્પષ્ટ નથી કે જાડેજાએ પોતાનું એકાઉન્ટ જાતે ડિએક્ટિવેટ કર્યું હતું કે કોઈ અન્ય ટેકનિકલ કારણોસર, તેની IPL કારકિર્દી અંગે પ્રશ્નો વધુ ઘેરા બન્યા છે. રસપ્રદ વાત એ છે કે, રવિન્દ્ર જાડેજાની પહેલી IPL ટીમ રાજસ્થાન રોયલ્સ હતી.
રવિન્દ્ર જાડેજા ૨૦૦૮માં માત્ર ૧૯ વર્ષની ઉંમરે રાજસ્થાન રોયલ્સ માટે રમ્યો હતો. રાજસ્થાને શરૂઆતની સિઝનમાં તેનું પહેલું ટાઇટલ જીત્યું હતું. ત્યારથી ટીમ ચેમ્પિયન બની નથી. ૨૦૧૦માં કરારના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ જાડેજાને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જાડેજા ૨૦૧૨માં ચેન્નાઈ સુપર કિંગ્સમાં જોડાયો.
રવીન્દ્ર જાડેજાએ ચેન્નાઈ સુપર કિંગ્સે જીતેલા પાંચ IPL ટાઇટલમાંથી ત્રણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ૨૦૨૨માં તેને ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ખરાબ પ્રદર્શનને કારણે તેણે સીઝનની મધ્યમાં આ ભૂમિકા છોડી દીધી. જાડેજાને IPL ૨૦૨૫ માટે CSK દ્વારા ૧૮ કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો.
૩૬ વર્ષીય રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધીમાં ૨૫૪ IPL મેચ રમી છે, જેમાં ૩,૨૬૦ રન બનાવ્યા છે અને ૧૭૦ વિકેટ લીધી છે. તે CSK માટે બીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર (૧૫૨) છે. ડ્વેન બ્રાવોએ ૧૫૪ સાથે CSK માટે સૌથી વધુ વિકેટ લીધી છે. ૨૦૨૩ની IPL ફાઇનલમાં છેલ્લી ઓવરમાં જાડેજાના શાનદાર બેટિંગ પ્રદર્શનથી તેમની ટીમને જીતવામાં મદદ મળી.