Last Updated on by Sampurna Samachar
DGCA દ્વારા કરારબદ્ધ રીતે કાર્યરત હતા
નિરીક્ષણ અને દેખરેખમાં બેદરકારીને કારણે નીકાળ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇન્ડિગો એરલાઇન્સની કામગીરીમાં સમસ્યાઓની પ્રાથમિક તપાસ બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ મોટી કાર્યવાહી કરી છે. તપાસમાં કેટલાક ઇન્સ્પેક્ટરોને દોષિત ઠેરવ્યા બાદ, DGCA એ ઇન્ડિગોનું નિરીક્ષણ કરતા ૪ ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટરોને નોકરીમાંથી કાઢી મુક્યા છે.

આ બધા ઇન્સ્પેક્ટરો ઇન્ડિગો ફ્લાઇટ્સની સલામતી અને કામગીરીનું નિરીક્ષણ કરવામાં સામેલ હતા. એવું માનવામાં આવે છે કે, નિરીક્ષણ અને દેખરેખમાં બેદરકારીને કારણે DGCA એ આ કડક કાર્યવાહી કરી છે. જે અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે, તે DGCA દ્વારા કરારબદ્ધ રીતે કાર્યરત હતા અને એરલાઇન્સ, ખાસ કરીને ઇન્ડિગોની સલામતી અને સંચાલન દેખરેખ માટે જવાબદાર હતા.
હવાઈ ભાડામાં થયેલા ભારે વધારા અંગે ઉઠાવ્યા સવાલો
દિલ્હી હાઈકોર્ટે અગાઉ કેન્દ્ર સરકાર અને નાગરિક ઉડ્ડયન નિયામકને ફ્લાઇટ કામગીરીમાં વિક્ષેપ અને એરપોર્ટ પર મુસાફરોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે કડક પ્રશ્નો પૂછ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે, આવી પરિસ્થિતિ અચાનક શા માટે ઊભી થઈ અને મુસાફરોને મદદ કરવા માટે કયા પગલાં લેવામાં આવ્યા હતા. કોર્ટે એ પણ જાણકારી માંગી હતી કે, સરકારે એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોની તકલીફને દૂર કરવા અને તેમને દૂર કરવા માટે શું વ્યવસ્થા કરી છે.
હાઈકોર્ટે જણાવ્યું હતું કે, આ મુદ્દો ફક્ત મુસાફરોની અસુવિધા સુધી મર્યાદિત નથી, પરંતુ તેમાં નાણાકીય નુકસાન અને સિસ્ટમ નિષ્ફળતાઓનો પણ સમાવેશ થાય છે. કોર્ટે પૂછ્યું હતું કે, મુસાફરોને વળતર આપવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે અને એરલાઇન સ્ટાફની જવાબદારી સુનિશ્ચિત કરવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે.
હવાઈ ભાડામાં થયેલા ભારે વધારા અંગે પણ કોર્ટે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. હાઈકોર્ટે પ્રશ્ન કર્યો હતો કે, અગાઉ રૂ.૫,૦૦૦ માં મળતી ટિકિટો રૂ. ૩૦,૦૦૦–રૂ.૩૫,૦૦૦ કેવી રીતે વધી ગઈ. બેન્ચે પ્રશ્ન કર્યો હતો કે, સંકટ દરમિયાન અન્ય એરલાઈન્સને આટલો નફો કેવી રીતે કરવાની મંજૂરી આપવામાં આવી. આટલા ઊંચા ભાડા કેવી રીતે વસૂલવા શક્ય છે ?
જવાબમાં, ASG ચેતન શર્માએ જણાવ્યું હતું કે, સમગ્ર કાનૂની વ્યવસ્થા અમલમાં છે અને કેન્દ્ર સરકાર લાંબા સમયથી FDTL લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ એરલાઇન્સે જુલાઈ અને નવેમ્બર તબક્કા માટે રાહત માંગી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ પહેલી વાર છે જ્યારે મંત્રાલયે હસ્તક્ષેપ કર્યો છે અને ભાડા મર્યાદા નક્કી કરી છે, જે પોતે જ એક કડક નિયમનકારી પગલું છે.