Last Updated on by Sampurna Samachar
કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાના પગલાનો સમાવેશ
કોલકાતા એરપોર્ટથી પ્રથમ ઉડાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને ચીન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ ગઇ છે. ઇન્ડિગો ફ્લાઇટ 6E1703 રાત્રે ૧૦ વાગ્યે કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ગુઆંગઝુ માટે રવાના થશે. દિલ્હી-ગુઆંગઝોઉ રૂટ પણ ૯ નવેમ્બરના રોજ શરૂ કરવામાં આવશે. આ પગલું બંને દેશો વચ્ચે પાંચ વર્ષ પછી એર કનેક્ટિવિટીની ઔપચારિક વાપસી દર્શાવે છે. આ ફ્લાઇટ માત્ર આકાશમાં પ્રવાસ નહીં, પરંતુ એક નવી રાજદ્વારી શરૂઆતનો પણ સંકેત આપે છે. જ્યાં ગલવાન ખીણ સંઘર્ષ પછી તણાવગ્રસ્ત સંબંધો હવે પાટા પર આવી ગયા છે.

૩૧ ઓગસ્ટના રોજ તિયાનજિનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ડાયરેક્ટ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા પર વિચારણા ચાલી રહી છે. ત્યાર બાદ ભારતે રાજદ્વારી પાનું બદલી દીધું કે હવે ચીન માટે ડાયરેક્ટ ફ્લાઇટ્સ ઉપડશે.
સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવી એ આ પ્રક્રિયાનો મુખ્ય ઘટક
જૂન ૨૦૨૦ માં ગલવાન ખીણમાં થયેલા અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો ૧૯૬૨ ના યુદ્ધ પછીના સૌથી નીચા સ્તર પર આવી ગયા હતા. લશ્કરી અને રાજદ્વારી વાટાઘાટો બાદ બંને પક્ષોએ ઘણા વિવાદિત વિસ્તારોમાંથી સૈનિકો પાછા ખેંચી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, બંને દેશો વચ્ચે નોંધપાત્ર રીતે તણાવ વધી ગયો હતો. ઓક્ટોબર ૨૦૨૩ માં અંતિમ વિવાદિત મુદ્દાઓ, ડેપસાંગ અને ડેમચોક પર એક કરાર થયો હતો.
એ પછી થોડા સમય પછી કાઝાનમાં મોદી-શી વાટાઘાટોમાં સંબંધો સુધારવા માટે ઘણા ર્નિણયો લેવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી સંબંધોને સામાન્ય બનાવવાની પ્રક્રિયામાં કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા જેવા પગલાંનો સમાવેશ થાય છે. હવે, સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવી એ આ પ્રક્રિયાનો મુખ્ય ઘટક માનવામાં આવે છે.