Last Updated on by Sampurna Samachar
ઉપલેટાના ૬૦૦ ખેત મજૂરોએ સરકાર સામે રણશિંગુ ફૂક્યું
પાક નિષ્ફળ જવાથી ખેતરોમાં શ્રમિકોને પણ થાય છે નુકસાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ખેત મજૂરો અને ભાગિયા રાખતા શ્રમિકોએ પોતાની પડતર માંગણીઓને લઈને રણશિંગુ ફૂંક્યું છે. અંદાજે ૬૦૦ જેટલા શ્રમિકોએ એકઠા થઈ ઉપલેટા મામલતદાર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. ખેત મજૂરો દ્વારા પોતાની વેદના સરકાર સુધી પહોંચાડવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

ગત વર્ષે થયેલી અતિવૃષ્ટિના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું હતું. પાક નિષ્ફળ જવાથી ખેતરોમાં ભાગીદારીમાં કામ કરતા ‘ભાગ્યા‘ શ્રમિકો દેવામાં ડૂબી ગયા છે. શ્રમિકોની મુખ્ય માંગ છે કે, પાક નુકસાનીનું સીધું વળતર માત્ર જમીન માલિકોને જ નહીં, પરંતુ પરસેવો પાડતા ખેત મજૂરોને પણ મળવું જોઈએ.
જરૂર પડશે તો કૂચ કરી વિરોધ નોંધાવશે
શ્રમિકોએ પોતાની ૮ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે, જેમાં શ્રમિકો માટે પાકા રહેઠાણ અને રાશન કાર્ડની વ્યવસ્થા, ખેત મજૂરોના બાળકો માટે શિક્ષણની પૂરતી સુવિધા, સીમ વિસ્તારના ખેતરોમાં રહેતી મહિલાઓની સુરક્ષાની ખાતરી, કામ દરમિયાન અકસ્માત થાય તો વીમા સહાયની જોગવાઈ કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
શ્રમિકોએ આક્ષેપ કર્યો છે કે, રાત-દિવસ મહેનત કરવા છતાં તેમને પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે. જો સરકાર દ્વારા આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ તેજ કરવામાં આવશે. શ્રમિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જરૂર પડશે તો તેઓ ન્યાય માટે ગાંધીનગર સુધી કૂચ કરીને પોતાનો વિરોધ નોંધાવશે.