Last Updated on by Sampurna Samachar
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાનની આકરી ટીકા
માનવાધિકારોને લઈને સૌથી ખરાબ રેકોર્ડ વાળો દેશ ગણાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી છે. ભારતીય રાજદૂત મોહમ્મદ હુસૈને બેઠકમાં કહ્યું કે, ‘આ વિડંબના છે કે પાકિસ્તાન જેવો દેશ માનવાધિકારો પર બીજાઓને જ્ઞાન આપવાની હિંમત કરે છે, જ્યારે તેના પોતાના જ દેશમાં લઘુમતીઓ પર સતત અત્યાચાર થઈ રહ્યા છે. પાકિસ્તાને જુઠાણું ફેલાવવાને બદલે પોતાના ઘરની પરિસ્થિતિ સુધારવી જોઈએ અને લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારોને અટકાવવા જોઈએ.’
ભારતે જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના ૬૦મા સત્રમાં માનવાધિકારના મુદ્દાઓ પર પાકિસ્તાનના પાખંડનો પર્દાફાશ કર્યો. ભારતે પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થતા અત્યાચારને ઉજાગર કરતા પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી. ભારતનું પ્રતિનિધિત્વ કરતા રાજદ્વારી મોહમ્મદ હુસૈને કહ્યું, “માનવાધિકારના ક્ષેત્રમાં સૌથી ખરાબ રેકોર્ડ ધરાવતો દેશ અન્ય દેશોને ઉપદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે તે વિડંબના છે.”
માનવાધિકારની બગડતી સ્થિતિ પર પ્રકાશ પડાયો
માનવાધિકાર પરિષદના ૩૪મા સત્રને સંબોધતા ભારતીય રાજદ્વારી મોહમ્મદ હુસૈને કહ્યું, “તેઓ (પાકિસ્તાન) ભારત વિરુદ્ધ બનાવટી આરોપો લગાવીને આ પ્લેટફોર્મનો દુરુપયોગ કરે છે, જે ફક્ત તેમના દંભને ઉજાગર કરે છે. દુષ્પ્રચારનો આશરો લેવાને બદલે પાકિસ્તાને પોતાના દેશમાં ધાર્મિક અને વંશીય લઘુમતીઓ સામે રાજ્ય દ્વારા પ્રાયોજિત દમન અને વ્યવસ્થિત ભેદભાવ પર ધ્યાન આપવું જોઈએ.”
નોંધનીય છે કે માનવાધિકાર પરિષદનું આ સત્ર એવા સમયે યોજાઈ રહ્યું છે જ્યારે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં અશાંતિ અને વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે, જેના પરિણામે ઘણા લોકો માર્યા ગયા છે.
યુએનએચઆરસીને સંબોધતા, યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી (યુકેપીએનપી) ના પ્રવક્તા નાસિર અઝીઝ ખાને પીઓકેમાં પાકિસ્તાનના વધતા દમન સામે આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની હાકલ કરી. ખાને પીઓકેમાં તાજેતરના વિરોધ પ્રદર્શનો વિશે વાત કરી, જેમાં ૨૯ સપ્ટેમ્બરના રોજ યુનાઇટેડ આવામી એક્શન કમિટીના નેતૃત્વમાં સંપૂર્ણ બંધ અને ચક્કા જામ હડતાળનો સમાવેશ થાય છે. તેમણે ઇસ્લામાબાદ પર સૈન્ય તૈનાત કરવાનો, ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો અને અસંમતિને દબાવવા માટે સંદેશાવ્યવહારમાં વિક્ષેપ પાડવાનો આરોપ લગાવ્યો. ખાને કહ્યું, “પીઓકેમાં ૩૦ લાખથી વધુ કાશ્મીરીઓ ઘેરાયેલા છે.”
પીઓકેમાં ઘણા દિવસોથી વીજળીના દરમાં ઘટાડો, સબસિડીવાળા ઘઉંનો લોટ અને આરોગ્યસંભાળમાં સુધારો કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. શાંતિપૂર્ણ હડતાળ તરીકે શરૂ થયેલી હડતાળ હવે હિંસક બની ગઈ છે, જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા છે અને ૨૨ થી વધુ ઈજાગ્રસ્ત થયા છે.
વિરોધીઓ પાકિસ્તાનમાં સ્થાયી થયેલા શરણાર્થીઓ માટે અનામત ૧૨ વિધાનસભા બેઠકોને દૂર કરવાની પણ માંગ કરી રહ્યા છે. અગાઉ, જીનીવામાં ચાલી રહેલા સત્ર દરમિયાન યોજાયેલા એક સેમિનારમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં માનવાધિકારની બગડતી સ્થિતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.