PM મોદી દિલ્હીથી શ્રીનગર જનારી વંદે ભારત એક્સપ્રેસમાં કરશે સફર
(સંપૂર્ણ સમાચાર સેવા)
કાશ્મીરને ભારતના અન્ય ભાગો સાથે જોડવા માટે લાંબા સમયથી ચાલી રહેલી કનેક્ટિવિટીની કામગીરી પૂર્ણ થવાની તૈયારીમાં છે અને હવે કેન્દ્ર સરકાર નવા વર્ષે દેશને મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. વાસ્તવમાં દિલ્હીને શ્રીનગર સાથે જોડતી રેલવે લાઈન જાન્યુઆરીમાં શરૂ થવાની છે. આ રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ જેવી લક્ઝરી ટ્રેનો દોડાવવાની તૈયારી છે. મળતા અહેવાલો મુજબ વડાપ્રધાન મોદી દિલ્હીથી શ્રીનગર જનારી વંદે ભારત એક્સપ્રેસમાં સફર કરશે. PM મોદી ઉદ્ઘાટનના દિવસે ટ્રેનમાં પ્રવાસ કરશે.
ઉત્તર રેલવેના મુખ્ય પ્રવક્તા હિમાંશુ શેખર ઉપાધ્યાયે આ અંગે માહિતી આપતા કહ્યું કે, ‘હાલ અમે ટ્રાયલ પર કામ કરી રહ્યા છીએ.’ સૌથી મહત્ત્વની વાત એ છે કે, ભારતીય રેલવે કાશ્મીરને દેશના અન્ય ભાગો સાથે જોડવા માટે પૂરજોશમાં કામગીરી કરી રહી છે અને હવે કામગીરી પૂર્ણ થવાની તૈયારીમાં છે. આ રૂટ શરૂ થયા બાદ ભારતીય રેલવે માટે આ એક મોટી સફળતા સાબિત થશે. ઉપાધ્યાયે કહ્યું કે, ‘કટરા અને રિયાસી વચ્ચે ૧૭ કિલોમીટર રૂટ પરની કામગીરી લગભગ પુરી કરી દેવાઈ છે. ટેસ્ટિંગ માટે રૂટ પર કાંકરીથી ભરેલી ગૂડ્સ ટ્રેન દોડાવાઈ રહી છે. અંજી નદી પર પણ તેને દોડાવાઈ છે. છેલ્લું પરીક્ષણ ૧૫ જાન્યુઆરી પહેલા ઉત્તર સર્કલના સેફ્ટી કમિશનર તરફ કરવામાં આવશે.
આ ઉપરાંત સૌથી પડકારજનક કામગીરી ટી-૩૩ ટનલના નિર્માણની કામગીરી પણ પુરી થઈ ગઈ છે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી શ્રીનગર જનારી વંદે ભારતમાં સફર કરી શકે છે. રેલવે અધિકારીએ કહ્યું કે, ‘દિલ્હી-કાશ્મીર વચ્ચે રેલવે ટ્રેન શરૂ થયા બાદ બહોળા પ્રમાણમાં પ્રવાસીઓ આવી શકશે. ટિકિટનું ભાડું એર ટિકિટની તુલનાએ ઘણું ઓછું છે. આવી સ્થિતિમાં મુસાફરોની સંખ્યામાં વધારો થવાની આશા છે. ઉલ્લેખનીય છે કે, કાંજીગુડા-બારામૂલા સેક્શન વચ્ચેના ૧૧૮ કિલોમીટર લાંબા રૂટને વર્ષ ૨૦૦૯માં શરૂ કરાયો છે. ત્યારબાદ બનિહાલ-કાજીગુંડ સેક્શનને ૨૦૧૩માં, પછી ઉધમપુરથી કટરા વચ્ચેના ૨૫ કિલોમીટરના અંતરને જુલાઈ-૨૦૧૪માં શરૂ કરાયો છે. આ ઉપરાંત આ વર્ષે ફેબ્રુઆરીમાં બનિહાલથી સાંગલદન રેલવે સ્ટેશન વચ્ચે ઈલેક્ટ્રિક ટ્રેનનું ટ્રાયલ કરાયું હતું.
મહત્ત્વની વાત એ છે કે, ઉધમપુર, શ્રીનગર અને બારામૂલા વચ્ચે વર્ષ ૨૦૦૫-૦૬થી રેલવે લાઈનનું કામ શરૂ કરાયું હતું. આ પ્રોજેક્ટના રૂટ પર કુલ ૩૮ સુરંગો છે, જેમાં સૌથી લાંબા ટનલ ટી૪૮ની ૧૨.૭૫ કિલોમીટર છે. આ દેશના નેટવર્કની સૌથી લાંબી સુરંગ છે. આ ઉપરાંત આ પ્રોજેક્ટ હેઠળ કુલ ૯૨૭ પુલ બનાવાયા છે.