Last Updated on by Sampurna Samachar
શાળાએ વાલીઓને મેસેજ કરી જાણ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી અને નોઈડાની શાળાઓમાં ફરી એકવાર બોમ્બની ધમકીના મેસેજ મળ્યા હોવાની માહિતી મળી છે. મળતી માહિતી મુજબ દિલ્હીની ઘણી શાળાઓમાં બોમ્બ હોવાના કોલ આવ્યા છે. પૂર્વ દિલ્હીની શાળાઓમાં બોમ્બ મૂકવાનો સંદેશ મળ્યો છે. જેના બાદ સલામતીના પગલાં અને ઇમરજન્સી પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યા છે. બોમ્બની આશંકા બાદ, શાળા પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓએ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તકેદારી વધારી દીધી છે.

તે સાથે શાળાઓ દ્વારા બાળકોના પરિવારજનોને સંદેશો મોકલવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે ધમકીભર્યા ઈમેલ મળવાને કારણે અમારે અમારા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળા બંધ કરવાની ફરજ પડી છે. કૃપા કરીને ધીરજ રાખો અને આ બાબતે સહકાર આપો. વધુ સૂચનાઓ અને મંજૂરી માટે સક્ષમ અધિકારીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
અગાઉ નોઈડાની ચાર ખાનગી શાળાઓ – સ્ટેપ બાય સ્ટેપ, ધ હેરિટેજ, જ્ઞાનશ્રી અને મયુર સ્કૂલને બોમ્બની ધમકીના ઈમેલ મળ્યા હતા. બોમ્બ ડિટેક્શન ટીમો અને ડોગ સ્ક્વોડ દ્વારા શાળાના પરિસરની વ્યાપક શોધખોળ બાદ બોમ્બ રિપોર્ટને છેતરપિંડી જાહેર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે નોઈડામાં ચાર ખાનગી શાળાઓને બોમ્બની ધમકીનો ઈમેલ મોકલવા બદલ પોલીસે એક ૧૪ વર્ષના છોકરાની ધરપકડ કરી હતી. તેણે પોલીસને કહ્યું કે તે શાળા છોડવા માંગે છે. તેને આ વિચાર તાજેતરમાં દિલ્હીમાં બોમ્બની ધમકીની ઘટનાઓ પરથી આવ્યો હતો. અગાઉ તા. ૮ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ, દિલ્હીની સાત ખાનગી શાળાઓને સતત સાતમી વખત બોમ્બની ધમકી મળી, જેને પોલીસે પાછળથી અફવા ગણાવી હતી. તમામ કેસો દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને બે દિવસ પછી ૧૦ જાન્યુઆરીએ, ૧૭ વર્ષના છોકરા, ધોરણ ૧૨નો વિદ્યાર્થી, બોમ્બની ધમકીના ઈમેઈલ મોકલવામાં તેની કથિત સંડોવણી બદલ અટકાયતમાં લેવામાં આવ્યો હતો.