પોલીસે તપાસ કરતા ધમકી આપનાર ધો.12 નો વિદ્યાર્થી જ નીકળ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીના દક્ષિણ જિલ્લામાં ૨૩ શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપનાર એક સગીર ઝડપાયો હતો. જેમાં ધોરણ બારમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીએ ઈમેઈલ મારફત આ શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટ કરાવવાની ખોટી ધમકી આપી હતી.
પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે, એક બારમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતું ષડયંત્ર રચ્યું હતું. આ વિદ્યાર્થીએ પોતે જ સ્વીકાર્યું છે કે, તેણે જ શાળાઓને ધમકીભર્યા ઈમેઈલ મોકલ્યા હતા. પોલીસે થોડા સમય પહેલાં જ શોધી કાઢ્યું હતું કે, દિલ્હીની ઓછામાં ઓછી ત્રણ શાળાઓને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતાં ઈમેઈલ તેના જ વિદ્યાર્થીઓ દ્વારા મોકલવામાં આવ્યા હતાં.
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના અધિકારીએ જણાવ્યું હતું કે, એક જ શાળામાં અભ્યાસ કરતાં બે ભાઈઓએ પરીક્ષા સ્થગિત કરાવવા પોતાની જ સ્કૂલના ઈમેઈલ પર બોમ્બની ધમકી આપી હતી. કાઉન્સિલિંગમાં તેઓએ સ્વીકાર્યું કે, શાળાઓને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી મળી રહી હોવાના સમાચારો વાંચ્યા બાદ તેમને આ વિચાર આવ્યો હતો. પોલીસે તેમને ચીમકી આપી છોડી મૂક્યા હતા. ગતવર્ષે દિલ્હીની લગભગ ૪૪ શાળાઓને બોમ્બની ધમકી મળી હતી. જેમાં ઘણી શાળાઓ પાસે ૧ લાખ ડોલરની ખંડણીની માંગ તેમજ ખંડણીની રકમ ન આપવા બદલ ૭૨ કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.