નાસભાગની ઘટનાના ૨૫૦ જેટલાં વિડીયો હેન્ડલ પરથી રિમુવ કરવા કહ્યું
એથિકલ નોર્મ્સનો હવાલો આપ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રેલવે મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ને પત્ર લખ્યો છે. આ પત્રમાં રેલવે મંત્રાલયે X ને ૧૫ ફેબ્રુઆરીના રોજ દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગ સાથે સબંધિત તમામ વીડિયો-ફોટોઝ પોતાના પ્લેટફોર્મ પરથી હટાવવા માટે કહ્યું છે. આની પાછળ મંત્રાલયે એથિકલ નોર્મ્સનો હવાલો આપ્યો છે.
રેલવે મંત્રાલયે પત્રમાં એથિકલ નોર્મ્સ અને આઈટી પોલિસીનો હવાલો આપતા X ને નાસભાગના એવા તમામ વીડિયો-ફોટોઝ હટાવવા માટે કહ્યું છે, જેમાં મૃતદેહો અને બેભાન થઈ ગયેલા યાત્રીઓ દેખાઈ રહ્યા છે. મંત્રાલયે ૩૬ કલાકની અંદર X ને લગભગ એવા ૨૫૦ વીડિયો હટાવવા માટે કહ્યું છે. જોકે, X તરફથી હજુ સુધી રેલવે મંત્રાલયના પત્ર પર કોઈ જવાબ આપવામાં નથી આવ્યો.
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ૧૫ ફેબ્રુઆરીના રોજ ત્યારે નાસભાગ મચી ગઈ હતી, જ્યારે કુંભ મેળામાં જતા શ્રદ્ધાળુઓની મોટી ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી. ત્યારે સ્પેશિયલ ટ્રેનો લેટ થવા અંગે અને પ્લેટફોર્મ બદલવાની જાહેરાતને કારણે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં ૧૮ લોકોના મોત થયા હતા અને ૧૫ લોકો ઘાયલ થયા હતા.
નાસભાગનું કારણ જાણવા માટે રેલવે વહીવટીતંત્રએ બે સભ્યોની કમિટિનું ગઠન કર્યું છે. આ કમિટિમાં નોર્ડર્ન રેલવેના PCCM નરસિંગ દેવ અને PCSC નોર્ડર્ન રેલવેના પંકજ ગંગવાર સામેલ છે. કમિટિને નવી દિલ્હી રેલવે સ્ટેશનના વીડિયો-ફોટોઝ સહિત તમામ ઉપલબ્ધ પુરાવાઓનું વિશ્લેષણ કરવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ નાસભાગ પ્લેટફોર્મ નંબર ૧૪ અને ૧૫ વચ્ચેની સીડીઓ પર થઈ હતી. પ્લેટફોર્મ ૧૪ પર પટના તરફ જતી મગધ એક્સપ્રેસ ઉભી હતી, જ્યારે પ્લેટફોર્મ ૧૫ પર જમ્મુ તરફ જતી ઉત્તર સંપર્ક ક્રાંતિ ઉભી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે યાત્રીઓ ફૂટ ઓવર બ્રિજ પરથી પ્લેટફોર્મ તરફ જઈ રહ્યા હતા અને સીડી પરથી લપસી ગયા, જેના કારણે અન્ય યાત્રીઓ પણ લપેટમાં આવી ગયા.