પીક ટાઈમમાં આ ઘટનાની વધુ અસર પડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજધાની દિલ્હીની સૌથી વ્યસ્ત મેટ્રો બ્લૂ લાઇન પર કેબલ ચોરીની ઘટના બની છે, જેના કારણે મેટ્રોની સ્પીડ ધીમી પડી ગઈ છે. દ્વારકાથી વૈશાલી/નોઈડા લાઇન પર કીર્તિ નગર અને મોતી નગર વચ્ચે રાત્રે આ ઘટના બની હતી. પીક ટાઈમમાં આ ઘટનાની વધુ અસર પડી છે અને લોકોને મેટ્રો માટે લાંબો સમય રાહ જાેવી પડી રહી છે.
કેબલ ચોરીની ઘટના દ્વારકાથી વૈશાલી/નોઈડા લાઇન પર કીર્તિ નગર અને મોતી નગર વચ્ચે રાત્રે બની હતી, જ્યારે મેટ્રો સેવા સમાપ્ત થઈ ગઈ હતી. સ્ટેશનોથી વિપરીત ટ્રેક વિસ્તાર સીસીટીવી કવરેજ હેઠળ ન હતો, વળી જ્યાંથી કેબલ ચોરવામાં આવ્યો હતો તે વિસ્તાર ઔદ્યોગિક વિસ્તારને અડીને આવેલો છે, ત્યાં અંધારું હોવાને કારણે સ્ટેશનના સીસીટીવીમાં વધુ કઈં કેદ થયું નહીં. જેના કારણે દિવસભર બ્લુ લાઇન પરની કામગીરીને અસર થશે.
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનએ મુસાફરોને વિનંતી કરી છે તેઓ મુસાફરીમાં થોડો વધારાનો સમય લાગશે, તે મુજબ તેમની મુસાફરીની યોજના બનાવે. અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ આવી જ એક ઘટના બહાર આવી હતી. ત્યારે રેડ લાઇન પર કેબલ ચોરીનો બનાવ બન્યો હતો. ત્યારે ઝિલમિલ અને માનસરોવર પાર્ક વચ્ચેના મેટ્રો કોરિડોર પર સિગ્નલ કેબલની ચોરી થઈ હતી. જેના કારણે દિલશાદ ગાર્ડનથી શહાદરા સુધીનો માર્ગ પ્રભાવિત થયો હતો.